વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં વિવિધ સરકારી, સામાજિક અને ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને હરિયાળો વિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મેગા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેમજ પ્લાસ્ટિક કચરાના અસરકારક વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરવામાં આવી હતી.
અંકલેશ્વરના પિલુદ્રા ગામ ખાતે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુલ 700 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને બેઈલ કંપની સહિતના ઔદ્યોગિક એકમોનો સહયોગ મળ્યો હતો. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, જિલ્લા પંચાયત સભ્ય મનગ પટેલ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ તેમજ માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં પણ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંડાદિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરસેવકો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી.
વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, જીઆઈડીસી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે નવ નિર્મિત ટ્રાન્સપોર્ટ નગર ખાતે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પ્લાસ્ટિક કચરાના અસરકારક વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં કુલ 24 સ્થળોએ પ્લાસ્ટિક બોટલોના સંગ્રહ માટે વિશેષ બોક્સ મૂકવામાં આવશે. જોગર્સ પાર્ક, કમલમ ગાર્ડન, માનવ મંદિર અને જયાબહેન મોદી હોસ્પિટલ જેવા જાહેર સ્થળોએ આ બોક્સ સ્થાપિત કરાશે. આ પહેલનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ નિર્માણ કરવાનો છે.
