ભરૂચ જિલ્લાના રાજપારડી સહિતના વિસ્તારોમાં કાર્યરત બ્લેક ટ્રેપ ક્વોરી ઉદ્યોગ હાલ ડીઝલની ગંભીર અછતનો સામનો કરી રહ્યો છે. છેલ્લા 10થી 12 દિવસથી ભારે મશીનરી, ડમ્પર અને ટ્રકો માટે પૂરતું ડીઝલ ઉપલબ્ધ ન થતાં ઉત્પાદન તેમજ પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને લઈ ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ ઉઠાવવામાં આવી છે.
એસોસિએશનના જણાવ્યા અનુસાર રાજપારડી વિસ્તારમાં અંદાજે 48થી 50 જેટલી ક્વોરીઓ કાર્યરત છે. આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 500થી 1000 જેટલા શ્રમિક પરિવારોની રોજીરોટી જોડાયેલી છે. ડીઝલની અછતના કારણે ક્વોરીઓમાં દૈનિક કામગીરી જાળવવી મુશ્કેલ બની રહી છે, જેના કારણે ઉદ્યોગકારો અને મજૂરોમાં ભારે ચિંતા વ્યાપી છે.
ઉદ્યોગકારોનું કહેવું છે કે અગાઉ સરકાર અને પેટ્રોલ પંપો દ્વારા બેરલમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું, પરંતુ નવા નિયમો અમલમાં આવ્યા બાદ ભારે મશીનરી માટે જરૂરી ડીઝલ મેળવવામાં અનેક અડચણો ઉભી થઈ રહી છે. ક્વોરી વિસ્તારમાં કાર્યરત વિશાળ મશીનો અને સાધનોને પેટ્રોલ પંપ સુધી લઈ જવું શક્ય નથી, જેથી કામગીરી પર સીધી અસર પડી રહી છે.
ઉદ્યોગકારોએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં ડીઝલ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ક્વોરીઓ બંધ કરવાની ફરજ પડશે. આવી સ્થિતિમાં માત્ર ક્વોરી ઉદ્યોગ જ નહીં, પરંતુ દહેજ અને ઝઘડિયા ના ઔદ્યોગિક વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યો, રોડ-રસ્તા અને અન્ય સરકારી બાંધકામ પ્રોજેક્ટો પર પણ ગંભીર અસર પડશે. બાંધકામ માટે જરૂરી મટીરીયલનો પુરવઠો ખોરવાતા અનેક વિકાસ કામો અટકી જવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
આ સમગ્ર મુદ્દે એસોસિએશને જિલ્લા કલેક્ટર સમક્ષ ક્વોરી ઉદ્યોગ અને પરિવહન ક્ષેત્ર માટે વિશેષ ડીઝલ ક્વોટા ફાળવવા, પેટ્રોલ પંપો પર ડીઝલ વિતરણની કડક દેખરેખ રાખવા તેમજ મજૂરોની રોજગારી અને ઉદ્યોગને બચાવવા તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. હવે જિલ્લા તંત્ર આ ગંભીર પ્રશ્ને કેટલું ઝડપી પગલું ભરે છે તેના પર હજારો લોકોની રોજીરોટી નિર્ભર બની છે.
