Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ડાંગમાં 20થી વધુ પરિવારોની ધર્મ વાપસી, 47 લોકોએ હિન્દુ ધર્મ ફરી અપનાવ્યો

Share

 

ડાંગ જિલ્લામાં 20થી વધુ પરિવારોના કુલ 47 જેટલા લોકોએ ધર્મ વાપસી કરીને ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો હોવાની ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ જલેબી દાદા હનુમાન મંદિર ખાતે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ સાથે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંત્રોચ્ચાર, પૂજા-અર્ચના અને સંકલ્પવિધિ બાદ આ તમામ લોકોએ સનાતન ધર્મમાં પુનઃપ્રવેશ કર્યો હતો.

Advertisement

માહિતી અનુસાર, ધર્મ વાપસી કરનારા આ પરિવારોના પૂર્વજોએ અંદાજે 30થી 50 વર્ષ પહેલાં વિવિધ સામાજિક, આર્થિક અથવા અન્ય કારણોસર હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. લાંબા સમય બાદ હવે નવી પેઢી સહિતના સભ્યોએ સ્વૈચ્છિક રીતે પોતાના મૂળ ધર્મમાં પરત ફરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર કાર્યક્રમ સનાતન ધર્મ માટે કાર્યરત દેવ બિરસા સેના દ્વારા આયોજનબદ્ધ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો. સંસ્થાના કાર્યકરો દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ પરિવારો સાથે સંપર્ક સાધી, જાગૃતિ અને સંવાદના માધ્યમથી તેમને પોતાના પૂર્વજોના સંસ્કાર અને પરંપરા વિશે માહિતી આપવામાં આવી રહી હતી.

કાર્યક્રમ દરમિયાન ધર્મ વાપસી સાથે સમાજજીવનને વધુ સકારાત્મક દિશામાં લઈ જવા માટે વ્યસનમુક્તિનો પણ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોએ દારૂ, તમાકુ અને અન્ય વ્યસનોથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર, ધર્મ સાથે સંસ્કાર અને સ્વસ્થ જીવનશૈલીનું પણ મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અરવિંદ વસાવા એ જણાવ્યું હતું કે, “કેટલાક પરિવારના પૂર્વજોએ કોઈ કારણસર હિન્દુ ધર્મ છોડ્યો હતો, પરંતુ હવે તેઓ પોતાની સ્વૈચ્છિક ઇચ્છાથી ફરી પોતાના મૂળ ધર્મમાં પરત ફરી રહ્યા છે. અમારા વિસ્તારમાં 47 જેટલા લોકોએ ઘરવાપસી કરી છે, જે સનાતન સંસ્કૃતિ સાથે ફરી જોડાવાનો મહત્વપૂર્ણ પ્રસંગ છે.”

ડાંગ જેવા આદિવાસી બહુલ વિસ્તારમાં થયેલી આ ધર્મ વાપસીની ઘટનાએ સ્થાનિક સ્તરે વિશેષ ચર્ચા જગાવી છે. સામાજિક અને ધાર્મિક વર્તુળોમાં આ ઘટનાને લઈને અલગ-અલગ પ્રતિસાદો સામે આવી રહ્યા છે.


Share

Related posts

ભરૂચ: કાવી પોલીસ સ્ટેશનની એક શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલા, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની 212 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન

ProudOfGujarat

માંગરોળના આમનડેરા ગામે અમદાવાદના યુવકનું નદીમાં ડૂબી જતા મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!