ભરૂચ શહેરમાં આવેલ સિટીઝન કોમ્પ્લેક્ષ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 36 મકાનો ધરાવતું આ રહેણાંક કોમ્પ્લેક્ષ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાને કારણે રહિશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇમારતના કેટલાક ભાગો તૂટી પડવાની ઘટનાઓ બાદ ભરૂચ નગરપાલિકાએ અગાઉ ઇમારતની તાત્કાલિક મરામત અને મજબૂતીકરણ કરવા માટે રહિશોને નોટિસ આપી તાકીદ કરી હતી.
પાલિકાના જણાવ્યા મુજબ, જર્જરિત ઇમારત ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિમાં છે. છતાં સમયસર જરૂરી રિપેરિંગ અને સ્ટ્રક્ચરલ મજબૂતીકરણની કામગીરી હાથ ધરવામાં આવી નહોતી. આ સ્થિતિને ગંભીર ગણતા ભરૂચ નગરપાલિકાએ કડક પગલું ભરી સિટીઝન કોમ્પ્લેક્ષનું લાઇટ અને ગેસ કનેક્શન કાપી નાખ્યું હતું.
અચાનક વીજ અને ગેસ પુરવઠો બંધ થતાં રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિવારજનોને આખી રાત વીજળી વિના પસાર કરવી પડી હતી. ગરમી વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ખાસ મુશ્કેલી પડી હતી.
બીજા દિવસે સવારે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની હતી. વીજળી અને ગેસ વિના લોકો રોજિંદા કામકાજ કરી શક્યા નહોતા. ખાસ કરીને બાળકોને શાળાએ મોકલવા માટે તૈયાર કરવામાં માતાપિતાને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. રસોઈ બનાવી ન શકાતાં અનેક પરિવારોને નાસ્તો અને ભોજન માટે પણ મુશ્કેલી ઊભી થઈ હતી.
ઘટનાને લઈને સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રહિશોએ ભેગા થઈ નગરપાલિકા પ્રમુખ સમક્ષ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી. રજૂઆત બાદ નગરપાલિકા પ્રમુખે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
નગરપાલિકા પ્રમુખે રહિશોને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની ગંભીરતાથી સમીક્ષા કરી કાયદાકીય અને માનવતાના ધોરણે જે કંઈ સકારાત્મક ઉકેલ શક્ય હશે તે માટે પ્રયત્ન કરવામાં આવશે. હાલ રહિશોની નજર હવે પાલિકાના આગામી નિર્ણય પર ટકેલી છે.
