ભરૂચ :
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ₹49.74 લાખની વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડિંગ છેતરપિંડીના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી રાજસ્થાનના ઝાલોરથી એક આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સાયબર ગુનાઓમાં ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે કામ કરનારાઓ સામે કડક સંદેશ ગયો છે.
તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપી લાધુરામ ઉર્ફે લલિત માલીએ કમિશનની લાલચે પોતાના નામે અનેક બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તે એકાઉન્ટ્સ સાયબર ઠગોને ઉપયોગ માટે આપ્યા હતા. આ ખાતાઓમાં દેશભરમાં થયેલી ઓનલાઈન છેતરપિંડીની રકમ જમા થતી હતી. બાદમાં રકમને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી નાણાકીય ટ્રેઇલ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ભરૂચના એક વ્યક્તિનો સંપર્ક ટેલીગ્રામ મારફતે કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ઓનલાઈન ટાસ્ક અને કમિશનની લાલચ આપી વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડિંગમાં મોટો નફો અપાવવાના બહાને નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું અને અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹49.89 લાખ જમા કરાવવામાં આવ્યા. શરૂઆતમાં થોડો નફો પરત આપી વિશ્વાસ વધારાયો, પરંતુ અંતે કુલ ₹49.74 લાખની છેતરપિંડી આચરાઈ હતી.
સાયબર ક્રાઇમ નિષ્ણાતોના મતે, આવા કેસોમાં ઠગો પોતાના બેંક એકાઉન્ટનો સીધો ઉપયોગ કરતા નથી. તેઓ કમિશનની ઓફર આપી અન્ય લોકોના બેંક એકાઉન્ટ ભાડે લે છે અથવા તેનો ઉપયોગ કરે છે. આવા ‘મ્યુલ એકાઉન્ટ’ આજે સાયબર ગુનાઓની સૌથી મહત્વપૂર્ણ કડી બની ગયા છે.
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની આ કાર્યવાહી એ સ્પષ્ટ સંદેશ આપે છે કે પોતાના બેંક એકાઉન્ટ, ATM કાર્ડ, ચેકબુક અથવા નેટ બેંકિંગની વિગતો કોઈ અજાણી વ્યક્તિને આપવી માત્ર બેદરકારી નથી, પરંતુ ગંભીર કાનૂની ગુનામાં સંડોવણી પણ સાબિત થઈ શકે છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે વોટ્સએપ, સોશિયલ મીડિયા અથવા મેસેજિંગ એપ્સ દ્વારા મળતી ઊંચા નફાની ઓફરો, ક્રિપ્ટો ટ્રેડિંગ સ્કીમો અને કમિશન આધારિત કામની લાલચથી સાવચેત રહેવું. “ઝડપી નફાની લાલચ ઘણી વખત મોટું નુકસાન કરાવે છે”, તેવો ચેતવણીભર્યો સંદેશ પણ પોલીસે આપ્યો છે.
