ભરૂચ :
દહેજ સ્થિત એક ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારી પર સહકર્મચારી દ્વારા બસમાં ચઢી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. આરોપીએ જાહેરમાં ગાળો આપી કોલર પકડી બસની નીચે ઉતારી માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, જયેશભાઈ સોપાનભાઈ મનસારામ (ઉ.વ. 25) હાલ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં રહે છે અને મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રહેવાસી છે. તેઓ દહેજ સ્થિત યોકોહોમા ઓફ-હાઇવે ટાયર્સ કંપનીમાં છેલ્લા સાત વર્ષથી પ્રોડક્શન ઓપરેટર તરીકે નોકરી કરે છે. ફરિયાદ અનુસાર, 23 મે 2026ના રોજ વહેલી સવારે કંપનીની બસ મારફતે તેઓ ફરજ પર ગયા હતા. પ્રથમ શિફ્ટ પૂર્ણ કર્યા બાદ બપોરે કંપનીની બસમાં ઘરે પરત ફરી રહ્યા હતા. બસમાં અન્ય કર્મચારીઓ પણ હાજર હતા. બપોરે આશરે 3:30 વાગ્યે, બસ મુલદ ટોલનાકા પાસેથી પસાર થઈ મુલદ ગામના બ્રિજ નજીક પહોંચી હતી ત્યારે કંપનીમાં નોકરી કરતો પ્રિન્સ સંજય બીરેન્દ્ર રાય બસમાં ચઢ્યો હતો. બસમાં ચઢ્યા બાદ તેણે જયેશભાઈને શોધવાનું શરૂ કર્યું હતું. જયેશભાઈ બસની પાછળથી ત્રીજી સીટ પર સહકર્મચારી દિનેશભાઈ બાલુભાઈ પાટીલ સાથે બેઠા હતા. ત્યારે પ્રિન્સ રાય સીધો તેમની સીટ પાસે આવી પહોંચ્યો અને જયેશભાઈના શર્ટની કોલર પકડી ગાળો બોલતા કહ્યું કે “આજે તારો હિસાબ-કિતાબ પૂરો કરી દઈએ.” આરોપીએ જયેશભાઈને ખેંચીને બસની નીચે ઉતાર્યા બાદ માર મારવાનું શરૂ કર્યું હતું. ફરિયાદ મુજબ હુમલા દરમિયાન આરોપી સતત ધમકીઓ આપતો રહ્યો હતો. સાથે આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ પણ ગાળો આપી માર મારવાની ધમકી આપી હતી. હુમલા દરમિયાન આરોપીએ ધમકી આપતા કહ્યું હતું કે “આજે બસમાં ઘણા લોકો છે એટલે તું બચી ગયો છે, બીજી વાર તને પતાવી દઈશું.” ત્યારબાદ આરોપી અને તેના સાથીઓ સ્થળ પરથી નાસી ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને જયેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
