ભરૂચ :
દહેજની વાડિયા ચોકડી પાસે બાઈક પર જઈ રહેલા દંપતીને પાછળથી આવેલી ટ્રકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહિલા ટ્રકના આગળના ટાયર નીચે આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જ્યારે તેના પતિને પણ ઈજાઓ પહોંચી હતી. મહિલાને દહેજના સરકારી દવાખાનાથી ભરૂચની અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
વાગરા તાલુકાના કોલીયાદ ગામે રહેતા હસમુખ લક્ષ્મણ રાઠોડ તેમની પત્ની જશોદાબેન સાથે બાઈક પર દહેજ ગયા હતા. કામ પૂર્ણ કર્યા બાદ તેઓ વાડિયા ખાતે પાણીની ટાંકી પાસેથી પોતાના ગામ કોલીયાદ જવા રવાના થયા હતા.
દરમિયાન વાડિયા ચોકડી પાસે પાછળથી આવેલી ટ્રકના ચાલકે તેમની બાઈકને ટક્કર મારી હતી. ટક્કરના કારણે દંપતી રોડ પર પટકાયું હતું. હસમુખ રાઠોડ રોડની ખાલી સાઈડ તરફ પડતાં તેમને ઈજાઓ થઈ હતી, જ્યારે જશોદાબેન ટ્રકની અડફેટે આવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રક તેમને થોડે દૂર સુધી ઢસડી લઈ ગઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત જશોદાબેનને પ્રથમ દહેજના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ઓર્થોપેડિક હોસ્પિટલ લઈ જવાયા હતા. હસમુખ રાઠોડને ત્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા, જ્યારે જશોદાબેનને વધુ સારવાર માટે હીલિંગ ટચ હોસ્પિટલ અને ત્યારબાદ એપેક્સ હોસ્પિટલ લઈ જવાયા હતા. એપેક્સ હોસ્પિટલ ખાતે તબીબે તપાસ કરતાં તેમનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે દહેજ પોલીસે ફરિયાદના આધારે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
