ભરૂચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક ખેતીના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ સ્થળોએ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે.
આ જ અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં કૃષિ પહેલ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ દ્વારા તમામ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારનો હેતુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની પેદાશોનું યોગ્ય અને વાજબી મૂલ્ય મળે તેમજ ગ્રાહકોને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના ઉત્પાદિત ગુણવત્તાસભર, પોષણયુક્ત અને રાસાયણમુક્ત ખેત પેદાશો સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.
ભરૂચ જિલ્લામાં આ વેચાણ કેન્દ્રો ભરૂચ APMC માર્કેટ (વડદલા), આમોદ તાલુકા પંચાયત કચેરી, જંબુસર તાલુકા પંચાયત કચેરી, હાંસોટ APMC માર્કેટ, નેત્રંગ જીન બજાર તથા વાલીયા APMC માર્કેટ ખાતે કાર્યરત કરવામાં આવ્યા છે.
આ કેન્દ્રો પર તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા શાકભાજી, અનાજ, કઠોળ, બાગાયતી પાક, ફળો તેમજ દૂધ અને દૂધજન્ય પેદાશોનું સીધું વેચાણ કરવામાં આવશે. પરિણામે ખેડૂતોને વચેટિયાઓ વગર યોગ્ય ભાવ મળશે અને ગ્રાહકોને ગુણવત્તાસભર પ્રાકૃતિક પેદાશો સરળતાથી ખરીદી શકાશે.
રાજ્ય સરકારના આ પ્રયાસોથી ખેડૂતોને બજાર વ્યવસ્થા સાથે સીધું જોડાણ મળશે, તેમની આવકમાં વધારો થશે અને સમાજમાં સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીને પણ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
કાર્યક્રમમાં તાલુકાના આગેવાનો, મદદનીશ ખેતી નિયામક, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, ખેડૂત તાલીમ કેન્દ્રના પ્રતિનિધિઓ, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
