ભરૂચ:
માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે વધુ એક ચિંતાજનક બનાવ ભરૂચ તાલુકાના વેસદરા ગામ નજીક બન્યો હતો. બાઈક પર પતિ સાથે ઘરે પરત ફરી રહેલી મહિલાની સાડીનો છેડો બાઈકના પાછળના વ્હીલમાં ફસાઈ જતાં મહિલા રસ્તા પર પટકાઈ હતી. અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાડભૂત ગામના રહેવાસી પ્રવીણભાઈ ઠાકોર પોતાની પત્ની સુમિત્રાબેન સાથે કોઈ કામકાજ અર્થે ભરૂચ શહેર આવ્યા હતા. કામ પૂર્ણ કર્યા બાદ બંને બાઈક પર ભાડભૂત પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વેસદરા ગામ નજીક પહોંચતા પાછળ બેઠેલી સુમિત્રાબેનની સાડીનો છેડો અચાનક બાઈકના પાછળના વ્હીલમાં ફસાઈ ગયો હતો. સાડી ખેંચાઈ જતાં તેઓનું સંતુલન બગડ્યું હતું અને તેઓ બાઈક પરથી સીધા રસ્તા પર પટકાયા હતા.
અકસ્માત એટલો અચાનક બન્યો હતો કે બાઈકચાલક પણ કંઈ સમજી શકે તે પહેલાં જ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનામાં સુમિત્રાબેનને હાથ, પગ અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી.
જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઈએમટી અને પાયલોટે ઇજાગ્રસ્ત મહિલાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
