ભરૂચ :
ભરૂચ APMC માર્કેટમાં દિવસેને દિવસે વધી રહેલી ગંદકી, કચરાના ઢગલા અને ગટરના પાણીના ભરાવાના પ્રશ્નોને લઈને વેપારીઓ અને ખરીદદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ચાલતી આવતી સમસ્યાનો નિકાલ ન આવતાં શહેર કોંગ્રેસે APMC વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે.
આ મુદ્દે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી તેમજ ચૂંટાયેલા નગરપાલિકા સભ્યો ઝુબેર પટેલ સહિતના આગેવાનોએ APMC માર્કેટની મુલાકાત લઈ સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન માર્કેટના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા, સડી ગયેલા શાકભાજીનો કચરો અને ગટરના ગંદા પાણીના ભરાવાથી અત્યંત અસ્વચ્છ સ્થિતિ જોવા મળી હતી.
કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ગંદકીના કારણે વેપારીઓ, ખેડૂતો અને ખરીદદારોના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે. માર્કેટમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. વેપારીઓએ પણ વારંવાર રજૂઆતો કરવા છતાં APMCના વહીવટી તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી તેવી ફરિયાદ કરી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી અને નગરપાલિકા સભ્ય ઝુબેર પટેલે APMCના જવાબદાર તંત્રને તાત્કાલિક ગંદકી દૂર કરી કાયમી સ્વચ્છતા વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી હતી. સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો આગામી સાત દિવસમાં માર્કેટની સફાઈ કરીને પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો શહેર કોંગ્રેસ વેપારીઓ અને જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી APMCના વહીવટી તંત્રની રહેશે.
