ભરૂચ : અંકલેશ્વરથી સુરત રક્ષાબંધન માટે દહાણુ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી મહિલાના પર્સમાંથી સોનાનું મંગળસૂત્ર અને રોકડ મળી કુલ રૂ.48 હજારથી વધુની ચોરી થયાની ફરિયાદ અંકલેશ્વર રેલવે પોલીસ મથકે નોંધાઈ છે.
અંકલેશ્વરના અંદાડા ખાતે સમ્રાટ રેસિડેન્સીમાં રહેતી 26 વર્ષીય હર્ષિતા રાકેશબાપુ સોનિસ ગત તા.26 ઓગસ્ટે સુરત જવા અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર પહોંચી હતી. સવારે આશરે 7:45 વાગ્યે દહાણુ એક્સપ્રેસ ટ્રેન આવતા તે ટ્રેનના પાછળના ભાગે આવેલા લેડીઝ ડબ્બામાં બેસી હતી.
ટ્રેન પાનોલી રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન હર્ષિતાએ પોતાના લાઇટ ગ્રીન કલરના લેડીઝ પર્સની તપાસ કરતાં અંદર રાખેલું નાનું મનીપર્સ ગાયબ હોવાનું જણાયું હતું. મનીપર્સમાં આશરે રૂ.300થી રૂ.400 રોકડા તેમજ સોનાનું મંગળસૂત્ર હતું.
મંગળસૂત્રનું વજન આશરે 13 ગ્રામ હોવાનું અને વર્ષ 2019માં રૂ.47,854માં ખરીદ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મહિલાને શંકા છે કે, ટ્રેનમાં ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યો તસ્કર તેના પર્સમાંથી મનીપર્સ તથા મંગળસૂત્ર ચોરી ગયો હતો.
રક્ષાબંધન બાદ વતનથી પરત ફર્યા બાદ મહિલાએ અંકલેશ્વર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે રેલવે પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
