ભરૂચ:
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના આહ્વાનથી ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરના ગ્રામસેવકોએ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે. લાંબા સમયથી માંગણીઓનું નિરાકરણ નહીં આવવા ઉપરાંત અન્ય કેડરના વધારાના કામો સોંપાતા ગ્રામસેવકોમાં રોષ ફેલાયો છે. સરકારે આપેલી સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આજે ગ્રામસેવકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ જિલ્લા ગ્રામસેવક મંડળના પ્રમુખ કેતન જાદવે જણાવ્યું હતું કે, ગ્રામસેવકો ખેડૂતો અને સરકાર વચ્ચે કડીરૂપ કામગીરી કરે છે. છેવાડાના ગામડાઓ સુધી કૃષિ યોજનાઓના લાભ પહોંચાડવાની જવાબદારી નિભાવતા ગ્રામસેવકો પર અન્ય કેડરના બિનજરૂરી અને વધારાના કામોનું ભારણ નાખવામાં આવી રહ્યું છે.
પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય કક્ષાએ સરકારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને પ્રશ્નો ઉકેલવા સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જોકે, સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ કોઈ સંતોષકારક નિર્ણય ન લેવાતા ગ્રામસેવકોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી હોવાનું મંડળે જણાવ્યું છે.
ગ્રામસેવક મંડળના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે, આંદોલનના કારણે કૃષિ, ખેડૂતલક્ષી તથા ગ્રામ્ય વહીવટી કામગીરી ખોરવાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને સંબંધિત વહીવટી તંત્રની રહેશે. પડતર પ્રશ્નોનો વહેલી તકે ન્યાયિક ઉકેલ લાવી આંદોલન સમેટાય તેવી ગ્રામસેવકોએ માંગ કરી છે.
તબક્કાવાર આંદોલનનો કાર્યક્રમ 10 સપ્ટેમ્બર: જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવશે. 14 સપ્ટેમ્બર: તમામ સત્તાવાર તથા સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી બહાર નીકળશે. 21 સપ્ટેમ્બર: તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરાશે. 25 સપ્ટેમ્બર: ‘પેન ડાઉન’ કરી તમામ લેખિત કામગીરી બંધ કરાશે. 1 ઓક્ટોબર: તમામ કર્મચારીઓ સામૂહિક માસ સીએલ પર ઉતરશે. 2 ઓક્ટોબર, ગાંધી જયંતિ: ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરાશે.
