Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં 31 જુલાઈએ રેડ એલર્ટ: અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર હાઈ એલર્ટ, તમામ શાળાઓમાં રજા જાહેર  :   NDRF-SDRFની ટીમો તૈનાત, 26 રેસ્ક્યૂ બોટ, 400થી વધુ સ્વયંસેવકો સજ્જ; નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ

Share

 

ભરૂચ:

Advertisement

 

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ભરૂચ જિલ્લા માટે 31 જુલાઈના રોજ ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું કે કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં મદદ અને માહિતી માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમ (02642-242300) તથા હેલ્પલાઇન નંબર 1077 24 કલાક કાર્યરત રહેશે. નાગરિકો કોઈપણ મુશ્કેલી સમયે આ નંબર પર સીધો સંપર્ક કરી શકશે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા તા. 31 જુલાઈ, 2026ના રોજ ભરૂચ જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

બચાવ અને રાહત કામગીરી માટે જિલ્લામાં NDRF અને SDRFની ટીમોને નર્મદા નદીના ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત 20 ફાઇબર બોટ અને 6 રેસ્ક્યૂ બોટ સહિત જરૂરી બચાવ સાધનો, ચેઇન શો મશીન, ટૂલકીટ, સ્ટ્રેચર વગેરે સાથે રેસ્ક્યૂ ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

વર્ષ 2023ની પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં 81 સંવેદનશીલ ગામોનું મેપિંગ કરવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમ, ગોલ્ડન બ્રિજ સહિત તમામ મહત્વપૂર્ણ જળાશયો પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાણીના સ્તરમાં વધારો થતાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવશે.

ભરૂચ ખાતે આપત્તિ વ્યવસ્થાપનમાં 400થી વધુ સ્વયંસેવકો, વિવિધ NGO, ધાર્મિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓ તંત્ર સાથે જોડાઈને કામગીરીમાં સહભાગી બન્યા છે. પોલીસ, પંચાયત, માર્ગ અને મકાન, વીજ કંપની, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન સહિતના તમામ વિભાગો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

જિલ્લાની તમામ ગૌશાળાઓ અને પશુપાલકોને પશુઓને ખુલ્લા સ્થળે ન બાંધવા તેમજ ઘાસચારા અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ભરૂચ અને અંકલેશ્વરના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં લાઉડસ્પીકર મારફતે લોકોને સતત સાવચેત કરવામાં આવી રહ્યા છે.

કલેક્ટરશ્રીએ નાગરિકોને અપીલ કરી છે કે અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળે, નદી-નાળા, તળાવ, ડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે, પાણી ભરાયેલા રસ્તા કે કોઝવે પરથી વાહન પસાર ન કરે, તેમજ વીજળીના થાંભલા, ખુલ્લા વાયર અને અન્ય જોખમી સ્થળોથી દૂર રહે. માછીમારોને દરિયામાં ન જવા અને વાલીઓને બાળકોને પાણીવાળા વિસ્તારોમાં ન જવા દેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું જ પાલન કરવા તથા કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.


Share

Related posts

ભરૂચ દહેજ માર્ગ પર આમદરા નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા.

ProudOfGujarat

આવશ્યક વસ્તુઓની આડમાં અન્ય ધંધાઓ ના ચાલે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ પેરોલ ફ્લો સ્કોડે પ્રોહીબિશનનાં ગુનામાં નાસતા ફરતા ઝઘડિયાનાં એક આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!