Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં: ૫૨૯ ટીમો દ્વારા ઘરેઘરે આરોગ્ય સર્વે, ૩૯૯ સગર્ભાઓની તપાસ અને બે દિવસમાં ૩૭ સફળ પ્રસૂતિ :  પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય તપાસ, પાણીનું ક્લોરીનેશન, મચ્છર નિયંત્રણ, ઓઆરએસ અને ક્લોરિન ટેબ્લેટ્સનું વિતરણ સાથે રોગચાળો અટકાવવા સઘન કામગીરી

Share

 

ભરૂચ: જિલ્લામાં ચાલુ ચોમાસું, ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં આરોગ્ય તપાસ અને રોગચાળો અટકાવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૫૨૯ મેડિકલ અને પેરામેડિકલ ટીમો કાર્યરત કરી હાઉસ-ટુ-હાઉસ સર્વે, આરોગ્ય તપાસ અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Advertisement

તાલુકા હેલ્થ ઓફિસના માર્ગદર્શન હેઠળ હાંસોટ, નેત્રંગ, વાગરા, જંબુસર, ભરૂચ ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તાર સહિત પૂર અસરગ્રસ્ત ગામો જેમ કે ડહેલી, તુણા, આસરમા, કંબોલી, પાંજરોલી, મગણાદ અને ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય ટીમોએ ઘરેઘરે જઈ નાગરિકોની આરોગ્ય તપાસ કરી હતી. તાવ, ઝાડા-ઉલટી જેવા જળજન્ય અને વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે સ્થળ પર જ જરૂરી દવાઓ, ઓઆરએસના પેકેટ અને ક્લોરિન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગે છેલ્લા એક સપ્તાહ દરમિયાન ૩૯૯ સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસ કરી જરૂરી કાઉન્સેલિંગ પૂરું પાડ્યું હતું. વરસાદ અને પૂરના જોખમને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના વિસ્તારોમાંથી ૪૧ સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જેમાંથી છેલ્લા બે દિવસમાં ૩૭ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. આ ઉપરાંત ૩ અતિ જોખમી પ્રસૂતિ સફળતાપૂર્વક કરાવવામાં આવી હતી, જ્યારે નજીકના સમયમાં પ્રસૂતિ થવાની સંભાવના ધરાવતી ૩ મહિલાઓને પૂર્વ સાવચેતીરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીના સ્ત્રોતોમાં રેસિડ્યુઅલ ક્લોરિન (RC) ટેસ્ટિંગ, મચ્છરજન્ય રોગોને રોકવા માટે મચ્છર બ્રિડિંગ ચેકિંગ અને દવાનો છંટકાવ તેમજ ક્લોરિન ટેબ્લેટ્સ અને ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ગ્રામજનોમાં સ્વચ્છતા, શુદ્ધ પાણીનો ઉપયોગ અને ચોમાસામાં આરોગ્ય સાવચેતી અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગે જિલ્લાના નાગરિકોને પોતાના ઘર અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા, પાણીનો ભરાવો ન થવા દેવા તેમજ તાવ, ઝાડા-ઉલટી કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.


Share

Related posts

સુરત : યોગીચોકના રહેવાસીઓએ બિલ્ડરો વિરુદ્ધ વિરોધ પ્રદર્શિત કર્યો.

ProudOfGujarat

ભરૂચ ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

નેત્રંગમાં વરસાદી પાણીથી રસ્તાનું ભારે ધોવાણ થવાથી રસ્તાનું નિર્માણ કરવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!