ભરૂચ: ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો દેશની સ્વતંત્રતા, એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યોનું સર્વોચ્ચ પ્રતીક છે. તિરંગાની આન, બાન અને શાન જળવાઈ રહે તે માટે ભારત સરકારે ‘ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા’ અમલમાં મૂક્યો છે. રાષ્ટ્રધ્વજના નિર્માણ, પ્રદર્શન, ઉપયોગ અને સન્માન અંગેના નિયમો આ આચારસંહિતા હેઠળ નક્કી કરવામાં આવ્યા છે.
ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા-2002 26 જાન્યુઆરી, 2002થી અમલમાં આવ્યો હતો. અગાઉ સામાન્ય નાગરિકોને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની મર્યાદિત છૂટ હતી. નવા ફ્લેગ કોડ બાદ દરેક ભારતીય નાગરિકને યોગ્ય સન્માન જાળવી પોતાના ઘર, કચેરી કે અન્ય યોગ્ય સ્થળે તિરંગો ફરકાવવાનો અધિકાર મળ્યો છે.
દિવસ-રાત તિરંગો ફરકાવવાની છૂટ
વર્ષ 2021 અને 2022માં ફ્લેગ કોડમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા હતા. સુધારા બાદ મશીનથી બનાવેલા તેમજ પોલિએસ્ટર સહિત વિવિધ માન્ય કાપડના રાષ્ટ્રધ્વજને મંજૂરી આપવામાં આવી છે. યોગ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવે તો દિવસ-રાત તિરંગો ફરકાવવાની પણ મંજૂરી છે. આ ફેરફારો બાદ ‘હર ઘર તિરંગા’ જેવા જનભાગીદારીના અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં મદદ મળી છે.
તિરંગાના સન્માન માટે આ બાબતોનું ધ્યાન રાખો
ફ્લેગ કોડ મુજબ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ હંમેશા ગૌરવપૂર્ણ રીતે થવો જોઈએ. તિરંગો જમીન પર પડવો ન જોઈએ અને ફાટેલો કે મેલો ધ્વજ ફરકાવવો નહીં. રાષ્ટ્રધ્વજનો અયોગ્ય રીતે વ્યાવસાયિક જાહેરાત, વસ્ત્રો અથવા સજાવટ માટે ઉપયોગ ન કરવો જોઈએ. ધ્વજનું અપમાન થાય તેવી કોઈપણ પ્રવૃત્તિથી પણ દૂર રહેવું જરૂરી છે.
રાષ્ટ્રધ્વજને હંમેશા યોગ્ય અને સન્માનપૂર્ણ સ્થાન પર પ્રદર્શિત કરવો જોઈએ. ધ્વજ ફરકાવ્યા બાદ તેને યોગ્ય રીતે ઉતારીને સન્માનપૂર્વક રાખવો પણ એટલો જ મહત્વનો છે.
રાષ્ટ્રધ્વજનું અપમાન દંડનીય
ભારતના બંધારણની કલમ 51(અ) હેઠળ દરેક નાગરિકનું મૂળભૂત કર્તવ્ય છે કે તે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરે. રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું ‘Prevention of Insults to National Honour Act, 1971’ હેઠળ દંડનીય ગુનો છે.
‘ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા’ માત્ર નિયમોનો સંગ્રહ નથી, પરંતુ દેશ પ્રત્યેના ગૌરવ, કર્તવ્ય અને રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ છે. તિરંગો અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશની અખંડિતતાનું પ્રતીક છે. તેથી ‘હર ઘર તિરંગા’ અભિયાન દરમિયાન દરેક નાગરિકે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે તેની આન, બાન અને શાન જાળવવાની જવાબદારી પણ નિભાવવી જોઈએ.
