વાગરા:
વાગરા તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈને તાલુકા વહીવટી તંત્ર સમક્ષ આક્રમક રજૂઆત કરવામાં આવી હતી. તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, આદિવાસી સમાજના આગેવાનો તથા અસરગ્રસ્ત પરિવારોની ઉપસ્થિતિમાં વાગરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને બે અલગ-અલગ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યા હતા.
પ્રથમ આવેદનપત્રમાં પીપળીયા ગામના ઘરવિહોણા અને પ્લોટવિહોણા પરિવારોનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના જણાવ્યા મુજબ ગામમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ તથા પછાત વર્ગના અનેક જરૂરિયાતમંદ પરિવારોને રહેણાંક પ્લોટના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક પરિવારો એક જ મકાનમાં મોટી સંખ્યામાં રહેવા મજબૂર બન્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.
કોંગ્રેસે પાત્ર પરિવારોનો તાત્કાલિક સર્વે કરાવી 100 વારના રહેણાંક પ્લોટ ફાળવવા તેમજ ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ આવાસનો લાભ આપવા માંગ કરી હતી.
બીજા આવેદનપત્રમાં મહેસૂલી તલાટીઓની હડતાળને કારણે આદિવાસી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. શિષ્યવૃત્તિ, જાતિના દાખલા, પેઢીનામા સહિતની જરૂરી કામગીરીમાં સહી-સિક્કા અટકી પડતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે કર્મચારીઓની હડતાળની સજા પ્રજા અને વિદ્યાર્થીઓએ શા માટે ભોગવવી પડે? કામગીરી સતત ચાલુ રહે તે માટે સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર અથવા અન્ય સક્ષમ અધિકારીને વૈકલ્પિક સત્તા આપી તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ હડતાળ દરમિયાન કર્મચારીઓના વેતન અંગે ‘નો વર્ક, નો પે’ના નિયમની અમલવારી અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી હતી.
કોંગ્રેસે ચીમકી આપી છે કે રજૂ કરાયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ નહીં આવે તો આદિવાસી સમાજ, અસરગ્રસ્ત પરિવારો અને સ્થાનિક પ્રજાને સાથે રાખીને ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન તથા ધરણાં કરવામાં આવશે. હવે તંત્ર દ્વારા આ રજૂઆતો અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
