ભરૂચ: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે કપાસ પાકમાં ટૂંકા અંતરે વાવેતર કરતા અથવા કરવા ઇચ્છતા ખેડૂતો માટે કપાસ ક્રાંતિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાના ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ 2.0 મારફતે ક્લોઝ સ્પેસીંગ ટેકનોલોજી (CST) અને ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ (ICM) એમ બે ઘટકમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરી હતી.
ઓનલાઈન પ્રાપ્ત થયેલી અરજીઓના આધારે ડ્રો કરવામાં આવ્યો છે. સરકારના નિર્ધારિત ધોરણો મુજબ CST ઘટક માટે 90×30 સેમી એટલે કે ત્રણ ફૂટના બે હાર વચ્ચે અને છોડ વચ્ચે એક ફૂટનું અંતર રાખીને કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને પાત્રતા મળશે. જ્યારે ICM ઘટક માટે ત્રણ ફૂટના બે હાર વચ્ચે તથા બે છોડ વચ્ચે બે ફૂટનું અંતર રાખીને કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને પાત્ર ગણવામાં આવશે.
આ ઉપરાંત યોજનામાં નિર્ધારિત કરાયેલી બિયારણની જાતનું વાવેતર કરનારા ખેડૂતોને જ સહાય માટે પાત્રતા આપવામાં આવશે.
પોર્ટલ પર લાભાર્થી ખેડૂતોની સંખ્યા મોટી હોવાથી અને મોબાઈલ નંબર ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોના હિતમાં આ અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાના ઓનલાઈન અરજી કરનારા તમામ ખેડૂતોને જણાવાયું છે કે જો તેમણે સરકારના નિર્ધારિત ધોરણો મુજબ કપાસનું વાવેતર કર્યું હોય તો 17 ઓગસ્ટ 2026 સુધીમાં પોતાના ગામના ગ્રામસેવક (ખેતી)ને ટેલિફોનિક અથવા રૂબરૂ જાણ કરવી.
ખેડૂતોએ 17 ઓગસ્ટના સાંજે 5 વાગ્યા સુધીમાં કોઈ રજૂઆત નહીં કરે તો તેમણે સરકારના નિર્ધારિત ધોરણો મુજબ વાવેતર કર્યું નથી તેમ માની તેમની અરજીઓ ફાઈલ કરવામાં આવશે.
વધુ માહિતી અથવા રજૂઆત માટે સંબંધિત ગામના **ખેતીવાડી અધિકારી અથવા ગ્રામસેવક (ખેતી)**નો સંપર્ક કરવા ખેડૂતોને જણાવાયું છે.
