Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ગટર વ્યવસ્થાને લઈને નગરપાલિકાની મહત્વની અપીલ : મેનહોલ-સેપ્ટિક ટેન્કમાં માણસ ઉતારી સફાઈ કરાવવી ગુનો, UGDમાં વરસાદી પાણી છોડતાં ચોક-અપ અને બેકફ્લોની સમસ્યાની ચેતવણી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો, રહેણાંક સોસાયટીઓ, વેપારી સંસ્થાઓ, ઉદ્યોગો, સંસ્થાઓ અને ખાનગી એજન્સીઓને ગટર વ્યવસ્થા તથા મેન્યુઅલ સ્કેવેન્જિંગ અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા જાહેર કરાયેલી બે પ્રેસનોટમાં મેનહોલ, મશીન હોલ અને સેપ્ટિક ટેન્કની સફાઈ માટે માણસોને અંદર ઉતારવા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ વરસાદી પાણી ભૂગર્ભ ગટર (UGD)માં ન છોડવા નાગરિકોને અપીલ કરાઈ છે.

નગરપાલિકાએ જણાવ્યું છે કે The Prohibition of Employment as Manual Scavengers and their Rehabilitation Act, 2013 હેઠળ કોઈપણ વ્યક્તિને ગટર, મેનહોલ, મશીન હોલ કે સેપ્ટિક ટેન્કમાં ઉતારી હાથથી સફાઈ કરાવવી ગુનો છે. ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ માત્ર જરૂરી સલામતીના સાધનો સાથે યાંત્રિક સાધનોનો ઉપયોગ કરીને જ કરવી ફરજિયાત છે.

નગરપાલિકાએ નાગરિકોને પોતાના રહેણાંક, વ્યવસાયિક કે ઔદ્યોગિક પરિસરમાં ગટર અથવા સેપ્ટિક ટેન્કની સફાઈ માટે કોઈ વ્યક્તિને અંદર ઉતારવાની મનાઈ કરી છે. સોસાયટી, સંસ્થા, એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જિંગ કરાવવામાં આવશે તો કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

UGDમાં વરસાદી પાણી છોડવાથી સમસ્યા

નગરપાલિકાના જણાવ્યા મુજબ AMRUT, SJMMSVY સહિતની વિવિધ યોજનાઓ હેઠળ ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ, ગાંધીનગર દ્વારા ભૂગર્ભ ગટર (UGD) યોજના વિકસાવવામાં આવી છે. આ વ્યવસ્થા હાલમાં કાર્યરત છે અને માત્ર ઘરગથ્થુ વપરાશ બાદના ગંદા પાણી તથા સીઝેજને પમ્પિંગ સ્ટેશન મારફતે એસ.ટી.પી. સુધી પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવી છે. તેમાં વરસાદી પાણીના નિકાલની કોઈ જોગવાઈ નથી.

કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે UGDના મેનહોલના ઢાંકણા ખોલી નાખવામાં આવતા હોવાનું નગરપાલિકાના ધ્યાને આવ્યું છે. તેના કારણે ગટર લાઇનમાં વરસાદી પાણીનો અતિશય પ્રવાહ પ્રવેશતાં ચોક-અપ, ગંદા પાણીના ધીમા નિકાલ અને ઘરની ચેમ્બરમાં ગંદા પાણીના બેકફ્લો જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ઉપરાંત પમ્પિંગ સ્ટેશન અને એસ.ટી.પી. પર પણ વધારાનો બોજ પડતાં સમગ્ર ગટર વ્યવસ્થાની કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે.

નગરપાલિકાની નાગરિકોને ત્રણ અપીલ
ભૂગર્ભ ગટરના મેનહોલના ઢાંકણા જાતે ખોલવા કે નુકસાન પહોંચાડવું નહીં.
વરસાદી પાણીનો નિકાલ UGDમાં ન કરી ઉપલબ્ધ સ્ટોર્મ વોટર ડ્રેનેજ અથવા કુદરતી નિકાલ વ્યવસ્થાનો ઉપયોગ કરવો.
કોઈ સ્થળે મેનહોલ ખુલ્લો કે નુકસાનગ્રસ્ત જણાય તો તાત્કાલિક ભરૂચ નગરપાલિકાને જાણ કરવી.

નગરપાલિકાએ નાગરિકોને મેન્યુઅલ સ્કેવેન્જિંગ જેવી અમાનવીય અને ગેરકાયદેસર પ્રથાનો બહિષ્કાર કરવા તેમજ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરીને શહેરની ભૂગર્ભ ગટર વ્યવસ્થાને સુરક્ષિત રાખવામાં સહયોગ આપવા અપીલ કરી છે.


Share

Related posts

*અંકલેશ્વર જીઆઇડીસી ના પ્રદુષણ બાબતે હાઇકોર્ટ તરફથી જાહેર થયેલા વચગાળાના સખ્ત હુકમો*

ProudOfGujarat

ભરૂચ ભુસ્તર વિભાગે ગલેન્ડા ગામે ચાલતું માટી ચોરીનુ કૌભાંડ ઝડપી પાડયું

ProudOfGujarat

ગોધરા શહેરમાં આવેલી એપેક્ષ લેબોરેટરી કોરોના રિપોર્ટ કઢાવવાનાં વધારે ભાવ લેતી હોવાનો સામાજીક કાર્યકર સંજય ટહેલ્યાણીનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!