Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નવરોઝ પર્વે પારસી સમાજમાં નવા વર્ષનો ઉમંગ, પતેતી અને સ્વાતંત્ર્ય પર્વનો સંયોગ બન્યો આનંદનું કારણ : ભરૂચની અગિયારીઓમાં વહેલી સવારથી ધાર્મિક માહોલ; પારસી પરિવારોએ ‘નવરોઝ મુબારક’ પાઠવી એકબીજાને શુભેચ્છાઓ આપી

Share

 

ભરૂચ: ભરૂચ જિલ્લામાં પારસી સમાજ દ્વારા શનિવારે પતેતી પર્વ અને પારસી નૂતન વર્ષ ‘નવરોઝ’ની પરંપરાગત હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શહેરની વિવિધ અગિયારીઓમાં પારસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પવિત્ર અગ્નિ સમક્ષ પ્રાર્થના કરી સમાજ તથા વિશ્વમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ પારસી બંધુઓએ એકબીજાને ‘નવરોઝ મુબારક’ પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.

Advertisement

પારસી સમાજ માટે પતેતીનો દિવસ આત્મમંથન અને ભૂલોનો પશ્ચાતાપ કરી મનને શુદ્ધ કરવાનો દિવસ માનવામાં આવે છે. જ્યારે નવરોઝ પારસી સમાજના નૂતન વર્ષનો પ્રથમ દિવસ છે. આ પવિત્ર પર્વ નિમિત્તે પારસી પરિવારોએ પોતાના ઘરો તેમજ અગિયારીઓને પરંપરાગત રીતે શણગાર્યા હતા. ઘરઆંગણે રંગબેરંગી રંગોળીઓ કરવામાં આવી હતી અને આસોપાલવના તોરણોથી સજાવટ કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ અને કોટ પારસીવાડ વિસ્તારમાં આવેલી ચાર અગિયારીઓમાં વહેલી સવારથી જ ધાર્મિક માહોલ છવાયો હતો. પારસી પરિવારો નવા વસ્ત્રો પરિધાન કરીને અગિયારીઓ ખાતે પહોંચ્યા હતા અને ધાર્મિક વિધિ-પ્રાર્થનામાં ભાગ લીધો હતો. પૂજા-પ્રાર્થના બાદ પરિવારજનો, મિત્રો અને સ્વજનોને મળી સૌએ નવા વર્ષની ખુશીઓ વહેંચી હતી.

આ વર્ષે પતેતી અને દેશનો સ્વાતંત્ર્ય દિવસ એક જ દિવસે આવતાં પારસી સમાજમાં આનંદ અને ઉત્સાહ બેવડાયો હતો. નવરોઝની ખુશી સાથે દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો. પારસી પરિવારો દ્વારા નવા વર્ષની ઉજવણીની સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી પણ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.

આ પ્રસંગે શહેરના આગેવાનોએ બંબાખાના વિસ્તારમાં સ્વ. શ્યામ શેઠના નિવાસસ્થાને એરિક શેઠનાના પરિવારની મુલાકાત લીધી હતી અને પારસી સમાજને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. એરિક શેઠનાના પરિવારે પણ જિલ્લાવાસીઓનો વર્ષોથી મળતા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ભરૂચના વિકાસમાં પારસી સમાજનું નોંધપાત્ર યોગદાન

ભરૂચ જિલ્લાના વિકાસ અને સામાજિક ક્ષેત્રે પારસી સમાજનું યોગદાન ઐતિહાસિક રહ્યું છે. ખાસ કરીને શેઠ પરિવાર દ્વારા ભરૂચના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે. સખાવત અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા શેઠ પરિવાર દ્વારા ગરીબ અને આર્થિક રીતે પછાત લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે.

આરોગ્ય, સારવાર, શિક્ષણ, જનસેવા તેમજ વિવિધ સામાજિક ક્ષેત્રોમાં શેઠ પરિવારનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. ભરૂચને આધુનિક સુવિધાઓ તરફ લઈ જવામાં પણ પરિવારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું સમાજના આગેવાનો જણાવે છે. સેવાભાવી પરંપરાને પરિવારના વર્તમાન આગેવાનો દ્વારા પણ આગળ ધપાવવામાં આવી રહી છે.

સંજાણથી ભરૂચ સુધી સેવાની પરંપરા

પારસી સમાજના ઇતિહાસની વાત કરીએ તો ઈરાનથી વેપાર અર્થે ભારતના સંજાણ બંદરે આવેલા પારસી સમાજે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે એકરૂપ થઈ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પોતાની આગવી ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખીને પારસી સમાજે ભારતના સામાજિક, ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

ભરૂચમાં પણ પારસી સમાજે પોતાની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખીને સમાજસેવાની આગવી ઓળખ ઊભી કરી છે. નવરોઝના પર્વે આ પરંપરા, એકતા, સદભાવના અને માનવસેવાની ભાવના વધુ એક વખત ઉજાગર થઈ હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે, નવરોઝ માત્ર નવા વર્ષની ઉજવણીનો દિવસ નથી, પરંતુ સેવા, સદભાવના, માનવતા અને સમાજ કલ્યાણની પરંપરાને આગળ વધારવાનો સંકલ્પ દિવસ પણ છે.


Share

Related posts

૨૫ કી.મી અંતર સુધી કોઈપણ વધારાનો ચાર્જ લીધા વિના પ્રાકૃતિક કૃષિ સંસાધનોની ડિલિવરી કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરતા ધરતીપુત્ર

ProudOfGujarat

વનરક્ષક પરીક્ષાનું પેપર લીક થતા નર્મદા યુથ કોંગ્રેસે કર્યો વિરોધ.

ProudOfGujarat

આવશ્યક વસ્તુઓની આડમાં અન્ય ધંધાઓ ના ચાલે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!