ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં કરવામાં આવી હતી. આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા ભરૂચ જિલ્લાના પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ તેમણે પરેડનું નિરીક્ષણ કરી જિલ્લાના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
પ્રાસંગિક પ્રવચનમાં પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈને 1947 સુધી દેશ માટે બલિદાન આપનારા તમામ અમર શહીદો અને કર્મવીરોને ભાવાંજલિ અર્પણ કરી હતી. ભરૂચ જિલ્લાની વિભૂતિઓ કનૈયાલાલ માણેકલાલ મુનશી, પંડિત ઓમકારનાથ ઠાકુર અને ચંદુલાલ દેસાઈના પ્રદાનને યાદ કરી તેમને નમન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ભારત આજે ‘રાષ્ટ્રીય સૌહાર્દ’ અને ‘વસુધૈવ કુટુંબકમ્’ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે. દેશના 140 કરોડ નાગરિકોએ એક દિશામાં અને એક હૃદય સાથે આગળ વધી રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ.
જ્ઞાતિવાદ નહીં, પ્રાંતવાદ નહીં, માત્ર રાષ્ટ્રવાદ
પ્રભારીમંત્રીએ ‘વિકસિત ભારત-2047’ના સંકલ્પનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે જ્ઞાતિવાદ, પ્રાંતવાદ કે ભાષાવાદથી ઉપર ઊઠીને માત્ર અને માત્ર રાષ્ટ્રવાદને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે યુવાનોને વ્યસનમુક્ત બની દેશના વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ભારત પાસે સમૃદ્ધ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, યોગ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચારોનો અમૂલ્ય વારસો છે. વિશ્વ આજે ભારતીય સંસ્કૃતિ અને ‘વસુધૈવ કુટુંબકમ્’ના વિચારને સ્વીકારી રહ્યું છે. યુવા શક્તિ પોતાની ઊર્જા અને શક્તિનો સકારાત્મક ઉપયોગ કરી રાષ્ટ્રનિર્માણમાં જોડાય તે સમયની માંગ છે.
ડિજિટલ પેમેન્ટથી લઈને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા
પ્રભારીમંત્રીએ સરકારની વિવિધ સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી લાભાર્થીઓ સુધી સીધો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. સંરક્ષણ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે.
આરોગ્ય ક્ષેત્રે આયુષ્યમાન ભારત જેવી યોજનાઓનો લાભ ઘર-ઘર સુધી પહોંચ્યો હોવાનું જણાવતાં તેમણે દુર્ગમ આદિવાસી વિસ્તારોમાં 108 ટુ-વ્હીલર એમ્બ્યુલન્સ દ્વારા આરોગ્ય સેવાઓ પહોંચાડવાની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
‘વોકલ ફોર લોકલ’નો સંદેશ
પ્રભારીમંત્રીએ નાગરિકોને સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવા અપીલ કરી હતી. સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરવાથી સ્થાનિક રોજગાર અને રોજી-રોટીને પ્રોત્સાહન મળશે તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ‘વિકસિત ભારત-2047’નો સંકલ્પ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા, કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રવાદનો પણ સમાવેશ થાય છે.
શહીદ પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા
દેશની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપનારા વીર જવાનો અને તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં પ્રભારીમંત્રીએ જણાવ્યું હતું કે શહીદ પરિવારોનું ઋણ દેશ ક્યારેય ચૂકવી શકે તેમ નથી. સાચી રાષ્ટ્રસેવા માત્ર સરહદ પર લડવામાં જ નથી, પરંતુ સમાજના આરોગ્યની ચિંતા કરવી, ભેળસેળ સામે લડવું અને સમાજને સન્માર્ગે લઈ જવું પણ રાષ્ટ્રસેવાનું જ સ્વરૂપ છે.
તેજસ્વી તારલાઓ અને કર્મયોગીઓનું સન્માન
સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ તેમજ અંગદાન અને ચક્ષુદાન જેવી માનવતાવાદી સેવા આપનાર વ્યક્તિ વિશેષોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પોલીસ દળ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. શાળાના બાળકો તથા પોલીસ જવાનો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ગુનાશોધનમાં પોલીસ ડોગની ભૂમિકાનું જીવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા માઉન્ટેડ ઇવેન્ટ, ટેન્ટ પેગિંગ સહિતના રોમાંચક કરતબો રજૂ કરવામાં આવતા ઉપસ્થિતોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
ઝઘડિયા તાલુકાના વિકાસ માટે રૂ.25 લાખ
આ પ્રસંગે પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ભરૂચ જિલ્લાના વિકાસ માટે ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારીને રૂ.25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ વૃક્ષરથને લીલીઝંડી આપી રવાના કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડીમ્પલબેન રાજ, ધારાસભ્યો રિતેશભાઈ વસાવા, રમેશ મિસ્ત્રી અને અરૂણસિંહ રણા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, જિલ્લા-તાલુકાના આગેવાનો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઘન કચરા વ્યવસ્થાપન માટે રૂ.2.04 કરોડના સાધનોનું વિતરણ
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ઘન કચરા વ્યવસ્થાપન માટે રૂ.2.04 કરોડના ખર્ચે કુલ 8 સેટ ‘મિની જેસીબી મશીન તથા ટ્રેક્ટર વિથ ટ્રોલી’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકા પંચાયતને 2, અંકલેશ્વર તાલુકા પંચાયતને 2, હાંસોટ તાલુકા પંચાયતને 1, જંબુસર તાલુકા પંચાયતને 1, આમોદ નગરપાલિકાને 1 અને જંબુસર નગરપાલિકાને 1 સેટ ફાળવવામાં આવ્યો હતો. પ્રભારીમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
