ભરૂચ:
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા રેલવે ગાળનારામાં ભારે વાહનોના પ્રવેશને લઈને જાહેરનામું અમલમાં હોવા છતાં એક ટ્રકચાલકે ગાળનારમાં ટ્રક હંકારી લાવી ગડરને નુકસાન પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. ટ્રકની ટક્કરથી ગડર તૂટી જતાં નુકસાન થયું હતું. બનાવ બાદ ટ્રકચાલક સ્થળ પરથી ફરાર થઈ જતાં સમગ્ર મામલે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, શક્તિનાથ વિસ્તારમાં આવેલા રેલવે ગાળનારામાં ઊંચાઈને ધ્યાનમાં રાખીને ભારે વાહનોના પ્રવેશ અંગે નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. તેમ છતાં ટ્રકચાલક ભારે વાહન લઈને ગાળનારામાં પ્રવેશ્યો હતો. ટ્રકની ઊંચાઈને કારણે ઉપરના ભાગે આવેલી ગડર સાથે અથડામણ થતાં ગડરને નુકસાન થયું હતું. ઘટના બાદ ટ્રકચાલક વાહન સાથે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેના પગલે હવે ટ્રકચાલકની ઓળખ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું. બીજી તરફ, જાહેરનામું હોવા છતાં પ્રતિબંધિત ઊંચાઈનું ભારે વાહન ગાળનારા સુધી પહોંચ્યું કેવી રીતે તે મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે. રેલવે ગાળનારાની ગડરને નુકસાન થતાં ભવિષ્યમાં વાહનચાલકોની સલામતીને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે. તંત્ર દ્વારા ઘટનાની તપાસ કરી નુકસાનનું મૂલ્યાંકન કરવા ઉપરાંત ફરાર ટ્રકચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જાહેરનામાનો અસરકારક અમલ થાય તેવી માંગ ઉઠી રહી છે.
