આમોદ: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામે આવેલી સરકારી કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે પાઇપ વડે માર માર્યો હોવાના આક્ષેપથી ચકચાર મચી છે. વિદ્યાર્થીના શરીર પર મારના નિશાન પડી ગયાનો પરિવાર દ્વારા દાવો કરવામાં આવતા મામલો શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, ઇખર ગામની કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતા હસનૈન રિઝવાન દીવાનને ભણવામાં કેટલીક બાબતો ન આવડતી હોવાના મુદ્દે શિક્ષકે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, મુબારક નામના શિક્ષકે પાઇપ વડે વિદ્યાર્થીને માર માર્યો હતો.
વિદ્યાર્થી શાળાએથી ઘરે પહોંચ્યો ત્યારે તેના શરીર પર મારના નિશાન જોવા મળ્યા હોવાનો પરિવારનો દાવો છે. આ અંગે જાણ થતાં માતાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ શિક્ષણ વિભાગને થતાં સમગ્ર મામલે તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહે તપાસના આદેશ આપ્યા છે. તપાસની જવાબદારી આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે. હવે તપાસ દરમિયાન વિદ્યાર્થી સાથે શાળામાં ખરેખર શું બન્યું હતું, તેને ઈજા કેવી રીતે થઈ અને આક્ષેપિત શિક્ષકની ભૂમિકા શું હતી તે અંગેની હકીકત બહાર આવે તેવી શક્યતા છે.
