ભરૂચ:
ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ કથિત રીતે સભા સ્થળનું ‘શુદ્ધિકરણ’ કરાવવાના મામલે તેમજ રાહુલ ગાંધી સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
ભરૂચ રેલવે સ્ટેશન નજીક ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા અને શહેર કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા. કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસના આક્ષેપ મુજબ, હલ્દ્વાનીની ઘટનામાં દલિત સમાજ તથા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અપમાનના મામલે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાને બદલે ઉત્તરાખંડ પોલીસે ભાજપ સરકારના ઈશારે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી છે. કોંગ્રેસે આ FIRને રાજકીય રીતે પ્રેરિત ગણાવી તેનો વિરોધ કર્યો હતો.
વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે, વિવિધતામાં એકતા ભારતની ઓળખ છે અને સર્વધર્મ સમભાવ તથા લોકશાહી દેશના મૂળ મૂલ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખડગેની સભા સ્થળે કથિત રીતે ‘શુદ્ધિકરણ’ કરાવી દલિત સમાજ અને કોંગ્રેસના કાર્યકરોનું અપમાન કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધી સામેની FIR અંગે તેમણે જણાવ્યું હતું કે, ગંભીર મુદ્દે અવાજ ઉઠાવ્યા બાદ તેમને દબાવવાના પ્રયાસરૂપે ફરિયાદ નોંધવામાં આવી છે. કોંગ્રેસે રાહુલ ગાંધી સામે નોંધાયેલી FIRને તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી હતી.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, **‘ના ડરીશું, ના ઝૂકીશું’**ના સંકલ્પ સાથે પાર્ટી જનતાના પ્રશ્નો અને બંધારણીય મૂલ્યો માટે પોતાની લડત ચાલુ રાખશે.
હાલ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે.
