ભરૂચ :
અંકલેશ્વર-હાંસોટને જોડતા મુખ્યમાર્ગ પર આવેલા આમલાખાડી ઓવરબ્રિજ પર મગર દેખાતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા લોકોએ મગરને જોઈ તેનો વીડિયો મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જે બાદ વીડિયો વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે આમલાખાડીમાં પાણીનો પ્રવાહ વધી ઓવરફ્લો થયો હતો. આ દરમિયાન પાણીમાંથી મગર બહાર આવી આમલાખાડી ઓવરબ્રિજ સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
ઓવરબ્રિજ પર મગરને જોતાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરની અચાનક હાજરીને કારણે કેટલાક વાહનચાલકો પણ સાવચેત બની ગયા હતા. બીજી તરફ, રહેણાંક વિસ્તાર અને મુખ્ય માર્ગ નજીક મગર દેખાતા સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાઈ હતી.
ભારે વરસાદ દરમિયાન નદી-કાંસ અને જળાશયોમાંથી મગર જેવા જળચર પ્રાણીઓ બહાર આવી રસ્તા અથવા માનવ વસાહત તરફ આવી જતા હોવાના બનાવો સામે આવતા રહે છે. આથી વન વિભાગ દ્વારા મગરને સલામત રીતે પકડી યોગ્ય સ્થળે ખસેડવા કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
