ભરૂચ :
ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. દરમિયાન કસક વિસ્તારમાં વરસાદી કાંસ પાસે આવેલી આંગણ એપાર્ટમેન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વરસાદી પાણીના તેજ પ્રવાહને કારણે કાંસના કિનારે ધોવાણ થતાં એપાર્ટમેન્ટના પાર્કિંગની દીવાલ અને જમીનનો મોટો હિસ્સો અચાનક ધસી પડ્યો હતો. પરિણામે પાર્કિંગમાં ઉભેલી 7થી 8 જેટલી કાર કાંસમાં ખાબકી હતી.
મળતી માહિતી મુજબ, છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે કસક વિસ્તારમાંથી વરસાદી પાણીનો પ્રવાહ સોસાયટી પાછળથી પસાર થતી કાંસમાં વધી ગયો હતો. પાણીના તેજ પ્રવાહથી કાંસની બાજુમાં આવેલા ભાગમાં સતત ધોવાણ થતાં પાર્કિંગની જમીન નબળી પડી હતી. અચાનક પાર્કિંગની દીવાલ અને જમીનનો મોટો ભાગ ધસી પડતાં શેડ પણ તૂટી ગયો હતો અને તેની સાથે પાર્ક કરેલી અનેક કાર કાટમાળ સાથે કાંસમાં ખાબકી હતી.
ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે ઘટનામાં જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી, પરંતુ વાહનોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
રહીશોએ આ ઘટનાને તંત્રની બેદરકારી ગણાવી રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે માંગ કરી છે કે વરસાદી કાંસનું તાત્કાલિક મજબૂતીકરણ કરી કાયમી રિપેરિંગ કરવામાં આવે તેમજ નુકસાનગ્રસ્ત વાહનોના માલિકોને યોગ્ય વળતર આપવામાં આવે.
