કડી :
એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા ગુજરાત પ્રદેશની કારોબારી રચના કરતાં વરિષ્ઠ પત્રકાર અને વીઆર લાઈન ન્યૂઝ ચેનલના ડિરેક્ટર પદ્મકાંત ત્રિવેદીની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ગુજરાત એસોસિએશનનું 22મું રાજ્ય બન્યું છે, જ્યાં સંગઠનની કારોબારીની રચના કરવામાં આવી છે.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કેમ્પસ સ્થિત શ્રી બ્રહ્માણી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નેશનલ એક્ઝિક્યુટિવ મેમ્બર લક્ષ્મણ પટેલે રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખની સૂચનાનુસાર પદ્મકાંત ત્રિવેદીની વરણીની જાહેરાત કરી હતી. પ્રસંગે ગુજરાતના અગ્રણી વરિષ્ઠ પત્રકાર વિપુલ બ્રહ્મભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી દૈનિક, સાપ્તાહિક અને પાક્ષિક અખબારોમાં કાર્યરત તેમજ સરકાર માન્ય એક્રેડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારોએ હાજરી આપી હતી. પદ્મકાંત ત્રિવેદીની વરણીને ઉપસ્થિત પત્રકારોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી. ઉપસ્થિત પત્રકારોએ સંગઠનના હિતમાં એકજૂથ થઈ ખભેખભા મિલાવી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
દરમિયાન રાજેન્દ્રભાઈ લીંબાચીયા દ્વારા ઉપસ્થિત પત્રકારો માટે સ્નેહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કડી સર્વ વિશ્વ વિદ્યાલયના ચેરમેનશ્રી અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત રહી શક્યા નહોતા, પરંતુ પત્રકારોના હિતમાં હંમેશા સાથ-સહકાર આપવાની ખાતરી તેમણે આપી હતી.
કાર્યક્રમમાં પત્રકારોને પડતી વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હોદ્દેદારોએ પત્રકારોના પ્રશ્નો એકત્ર કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો દ્વારા તેના ઉકેલ માટે પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.
એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશન રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયશંકર ચતુર્વેદી (દિલ્હી) અને સેક્રેટરી જનરલ **કવડલે ચન્નાપ્પા (કર્ણાટક)**ના વડપણ હેઠળ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે. ગુજરાતમાં હવે સંગઠનની કારોબારી રચાતા આગામી સમયમાં નવા હોદ્દેદારોની શપથવિધિ તથા પત્રકારોના સન્માન માટે વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુંતલભાઈ નિમાવતે કર્યું હતું. અંતે વધુને વધુ એક્રેડિટેશન કાર્ડધારક પત્રકારો તથા તંત્રીમિત્રોને સંગઠન સાથે જોડાવા અપીલ સાથે આભારવિધિ કરવામાં આવી હતી.
