ભરૂચ :
ભરૂચ GIDC વિસ્તારમાં આનંદ રેસ્ટોરન્ટ સામે ટ્રેક્ટર ભરેલો ટ્રક વળાંક લેતી વખતે રોડની સાઈડમાં આવેલી વરસાદી કાંસમાં ફસાઈ જતાં રસ્તા પર આડો થઈ ગયો હતો. ટ્રકનું ટાયર કાંસમાં ઉતરી જતાં તેનું સંતુલન ખોરવાયું હતું અને જોતજોતામાં ભારે વાહન રસ્તા પર આડું થઈ ગયું હતું.
ટ્રકમાં નવા ટ્રેક્ટરો ભરેલા હોવાથી ટ્રક આડો થતાં તેમાં ભરેલા ટ્રેક્ટરો પણ એક તરફ ઢળી ગયા હતા. બનાવને પગલે રસ્તા પર વાહનોની અવરજવર અટવાઈ જતાં ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વાહન આડું થઈ જતાં અન્ય વાહનચાલકોને પસાર થવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રકને કાંસમાંથી બહાર કાઢવા તેમજ તેમાં ભરેલા ટ્રેક્ટરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટ્રેક્ટરોને એક બાદ એક નીચે ઉતારવામાં આવતા રસ્તો ધીમે ધીમે ખુલ્લો કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, વળાંક લેતી વખતે ટ્રકનું ટાયર રોડની સાઈડમાં આવેલી વરસાદી કાંસમાં ઉતરી જતાં આ બનાવ બન્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ભારે વાહન રસ્તા પર આડું થઈ જતાં GIDC વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
