Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં રૂ.1.50 કરોડની શૌચાલય ગ્રાન્ટ સામે ગંભીર સવાલો! : 1906 શૌચાલયના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે તપાસના આદેશ, સાત એજન્સીઓને ચૂકવાયેલા કરોડો રૂપિયાની તપાસની માંગ

Share

 

અંકલેશ્વર :

Advertisement

અંકલેશ્વર નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન હેઠળ ફાળવાયેલી રૂ.1.50 કરોડથી વધુની ગ્રાન્ટમાંથી બનાવાયેલા 1906 શૌચાલયના કામમાં ગેરરીતિ અને નાણાકીય ગોબાચારીના આક્ષેપોએ તંત્રને દોડતું કર્યું છે. સમગ્ર મામલે કરવામાં આવેલી અરજીઓના આધારે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, સુરત ઝોન દ્વારા નગરપાલિકા પાસેથી મુદ્દાવાર સ્પષ્ટતા તથા આધાર-પુરાવા સાથે તપાસ અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.

આક્ષેપ મુજબ 2010થી 2016 દરમિયાન સ્વચ્છ ભારત મિશન હેઠળ અંકલેશ્વર નગરપાલિકાને રૂ.1.50 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવાઈ હતી અને તેમાંથી કુલ 1906 શૌચાલય બનાવાયા હોવાનું લાભાર્થી યાદી પરથી જણાવાયું છે. જોકે, આ ગ્રાન્ટમાંથી થયેલી ચૂકવણીની પ્રક્રિયા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ખાસ કરીને જિલ્લા નગરપાલિકા અધિકારીની સંયુક્ત સહી વિના બિલોની ચુકવણી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો હતો. નગરપાલિકાએ આ આક્ષેપને નકારી કાઢી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના હુકમો મુજબ મુખ્ય અધિકારી અને હિસાબ અધિકારીની સંયુક્ત સહીથી ચુકવણી કરાઈ હોવાનું સ્પષ્ટ કર્યું છે.

1906 શૌચાલય, લાભાર્થી યાદી અને દસ્તાવેજોની ચકાસણી મુદ્દે સવાલો

અરજદારો દ્વારા લાભાર્થીની યાદીમાં બોગસ અથવા અયોગ્ય લાભાર્થીઓનો સમાવેશ કરાયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. કેટલાક કિસ્સામાં એક જ પરિવારના સભ્યોના નામે અથવા એક જ ઘરના સંદર્ભમાં અલગ લાભાર્થી દર્શાવાયા હોવાના દાવા કરવામાં આવ્યા હતા. નગરપાલિકાએ આવા આક્ષેપોને નકારી કાઢતાં રેકોર્ડ મુજબ શૌચાલય જે મૂળ લાભાર્થીના નામે મંજૂર થયા હતા, તે જ નામે શૌચાલય બનાવાયા હોવાનું જણાવ્યું છે.

આ ઉપરાંત લગ્ન નોંધણી માટે નગરપાલિકામાં જમા કરાયેલા આધારકાર્ડના દુરુપયોગથી કેટલાક લોકોને તેમની જાણ બહાર શૌચાલય યોજનાના લાભાર્થી દર્શાવાયા હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જોકે, નગરપાલિકાની તપાસમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ કેટલાક કિસ્સામાં આધારકાર્ડ અપલોડ કરતી વખતે બીજા વ્યક્તિનું આધારકાર્ડ ભૂલથી અપલોડ થયાનું જણાવાયું છે અને તે વ્યક્તિના નામે શૌચાલય ફાળવાયું કે બનાવાયું નથી તેવી સ્પષ્ટતા કરાઈ છે.

થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન છતાં સવાલો કેમ?

શૌચાલયોની કામગીરીની ચકાસણી માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા વડોદરાની રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે નિયુક્ત કરવામાં આવી હતી. નગરપાલિકા મુજબ આ એજન્સીએ લાભાર્થીના બનેલા શૌચાલયોના ફોટોગ્રાફ અને સીડી તૈયાર કરી બોર્ડ સમક્ષ રજૂ કર્યા હતા. શૌચાલય પૂર્ણ થયા બાદ જરૂરી લખાણ અને નંબર દર્શાવવાના મુદ્દે પણ રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો હોવાનું નગરપાલિકાએ જણાવ્યું છે.

સાત એજન્સીઓને લાખોની ચુકવણી

શૌચાલય નિર્માણનું કામ કુલ સાત એજન્સીઓને સોંપવામાં આવ્યું હતું. દસ્તાવેજમાં મહાત્મા ગાંધી ગ્રામ નિર્માણ ટ્રસ્ટને રૂ.10.45 લાખ, વસુંધરા સાર્વજનિક ટ્રસ્ટને રૂ.10.47 લાખ, આનંદ ગ્રામ ઉદ્યોગ ટ્રસ્ટને રૂ.42 લાખ, કામદાર કલ્યાણ મંડળને રૂ.30 લાખ, નવચેતના વિકાસ ટ્રસ્ટને રૂ.68 લાખ અને ઉત્કર્ષ એજ્યુકેશન સેવા ટ્રસ્ટને રૂ.11.44 લાખની ચુકવણી દર્શાવવામાં આવી છે. શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનું નામ પણ સાત એજન્સીઓમાં દર્શાવાયું છે.

અરજદારો દ્વારા આ સાતેય એજન્સીઓની ભૂમિકા, તેમને થયેલી ચૂકવણી તેમજ સમગ્ર કામગીરીની પણ ઊંડી તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર એજન્સીની પણ પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી કરવાની માંગ ઉઠી છે.

હવે તપાસનો રિપોર્ટ શું બહાર લાવે છે તેના પર નજર

સમગ્ર મામલે અરજદારોના આક્ષેપો અને નગરપાલિકાની સ્પષ્ટતા આમને-સામને આવી છે. પ્રાદેશિક કમિશનર કચેરીએ મુદ્દાવાર સ્પષ્ટતાપૂર્તતા કરી જરૂરી તપાસ હાથ ધરી આધાર-પુરાવા સાથે તપાસ અહેવાલ રજૂ કરવા જણાવ્યું હોવાથી હવે 1906 શૌચાલય ખરેખર કેટલા બન્યા, કોના નામે બન્યા, લાભાર્થી પસંદગી કેવી રીતે થઈ, સાત એજન્સીઓને થયેલી ચૂકવણી કેટલી યોગ્ય હતી અને દસ્તાવેજોમાં દર્શાવાયેલા આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે તપાસનો મુખ્ય વિષય બનશે.


Share

Related posts

છોટાઉદેપુર : ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

નડિયાદના ધારાસભ્યએ કીડની હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ શરુ થાય તે માટે લેખીતમાં રજૂઆત કરી

ProudOfGujarat

ફોર્ડ ઇક્કોસ્પોર્ટ કારમાં દારૂનો જથ્થો લાવતા 2 ઇસમોની વડોદરા PCB એ કરી અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!