ભરૂચ :
ભરૂચ શહેરમાં જૂની અદાવતની રીસમાં બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. ખુર્શીદપાર્ક સોસાયટીના બોર્ડ પાસે બાઈક પર આવેલા શખ્સોએ યુવાનની મોપેડ અટકાવી કટરથી હાથ પર ઘા માર્યા હતા. ત્યારબાદ લાકડાના ધોકાથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, આ જ જૂથના એક યુવાને રેલવે ફાટક પાસે માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. બંને બનાવ અંગે બી ડિવિઝન પોલીસે સામસામે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ભરૂચના ત્રણકૂવા નવીનગરી વિસ્તારમાં રહેતો કરણ મહેશ વસાવા ઝઘડિયાની કોલર કંપનીમાં લેબર તરીકે કામ કરે છે. ગત તા. 14મીએ બપોરે નોકરી પરથી ઘરે આવ્યા બાદ બુલેટનું ટાયર પંક્ચર થયું હોવાથી ટાયર કાઢીને મોપેડ પર લઈ ડુંગરી શેરપુરા રોડ પર આવેલી પંક્ચરની દુકાને જવા નીકળ્યો હતો.
દરમિયાન ખુર્શીદપાર્ક સોસાયટીના બોર્ડ પાસે પહોંચતાં વિશાલ ઉર્ફે ગોલી વસાવા તેના ભાઈ ગણેશ તેમજ કરણ વસાવા અને રાજવીર વસાવાને બાઈક પર બેસાડી પાછળથી આવ્યો હતો. તેણે કરણની મોપેડ અટકાવી કટર વડે તેના હાથ પર ઘા માર્યા હતા. ગણેશે લાકડાના ધોકાથી માર માર્યો હોવાનો પણ આક્ષેપ છે. લોકો એકત્ર થતાં આરોપીઓ ધમકી આપી બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ અંગે કરણે વિશાલ ઉર્ફે ગોલી, દશરથ વસાવા, ગણેશ દશરથ વસાવા, કરણ વસાવા અને રાજવીર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ, રાજવીર મહેશ વસાવાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાંજે રેલવે ફાટક પાસે જતાં કરણ મહેશ વસાવાએ જૂની અદાવતની રીસ રાખી અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ કરણ, તેના પિતા મહેશ વસાવા અને માતા વસંતબેને મળી માર માર્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
