Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એક જ રાત્રે બે મકાનમાં તસ્કરોનો હાથફેરો : કુંભારિયા ઢોળાવમાં પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે ચોરી, કંઈક સુંઘાડી દીધું હોવાની આશંકા : 22થી 25 તોલા ચાંદીના દાગીના, સોનાની વસ્તુઓ, સાઉદી રિયાલ સહિતનો મુદ્દામાલ ગાયબ : મલેકવાડના બંધ મકાનમાંથી રૂ.10 હજાર રોકડા અને સોનાની બુટ્ટી ચોરી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં એક જ રાત્રિ દરમિયાન એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા બે અલગ-અલગ મકાનોને તસ્કરોએ નિશાન બનાવતાં ચકચાર મચી છે. એક બનાવમાં પરિવારજનો ઘરમાં સૂતા હોવા છતાં તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પરિવારજનોએ ઊંઘ દરમિયાન કંઈક સુંઘાડી દીધું હોવાની આશંકા વ્યક્ત કરી છે. બંને બનાવમાં ચોરીનો ભોગ બનેલા પરિવારોએ પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં મોહંમદ અમીનના મકાનમાં તસ્કરોએ રાત્રિના સમયે પ્રવેશ કરી ચોરી કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર તેમના વડીલ તાજેતરમાં જ હજ પઢીને પરત આવ્યા હતા. ઘરમાં અંદાજે 22થી 25 તોલા જેટલા ચાંદીના દાગીના રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાઉદી રિયાલ, જૂની ચલણી નોટો, સોનાની ઈયરિંગ, બંગડી સહિતની ચીજવસ્તુઓ પણ ઘરમાં હતી.

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, રાત્રિના સમયે તમામ લોકો ઊંઘમાં હતા. સવારે ઊઠ્યા બાદ ઘરમાં ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી હતી કે તસ્કરોએ તેમને કોઈ પદાર્થ સુંઘાડ્યો હોઈ શકે છે, જેના કારણે તેઓ ઊંઘમાંથી જાગી શક્યા ન હતા અને ઘરમાં તસ્કરો ઘૂસ્યા હોવાની કોઈ જાણ થઈ ન હતી. જોકે, ખરેખર કોઈ પદાર્થનો ઉપયોગ થયો હતો કે કેમ તે અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

બીજી તરફ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા સોનેરી મહેલ વિસ્તારના મલેકવાડમાં પણ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મલેકવાડમાં રહેતા ઈમરાનભાઈ પોતાના પરિવાર સાથે બહારગામ ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ બંધ મકાનમાં પ્રવેશ કરી તલાશી લીધી હતી અને ઘરમાંથી રૂ.10 હજાર રોકડા તથા તેમની પુત્રીની સોનાની બુટ્ટી ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

એક જ રાત્રે શહેરના બે અલગ વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ સામે આવતા પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. બંને બનાવમાં પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ફરિયાદ નોંધાયા બાદ ચોરી થયેલા મુદ્દામાલની ચોક્કસ કિંમત અને અન્ય વિગતો સ્પષ્ટ થશે.

બીજી તરફ પોલીસે પણ બંને બનાવોને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. ચોરી થયેલા વિસ્તારો તથા આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સીસીટીવીમાં કેદ થયેલા શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની તપાસ કરી તસ્કરોનું પગેરું મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પરિવાર ઘરમાં હાજર હોવા છતાં ચોરી થવાની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવાની માંગ ઉઠી છે. હવે પોલીસની તપાસમાં બંને ચોરીની ઘટનાઓ પાછળ એક જ ટોળકી સંડોવાયેલી છે કે અલગ-અલગ તસ્કરો છે અને કુંભારિયા ઢોળાવની ઘટનામાં પરિવારજનોની આશંકા મુજબ કોઈ પદાર્થનો ઉપયોગ થયો હતો કે કેમ તે અંગેના પ્રશ્નોના જવાબ મળશે.


Share

Related posts

પ્રેમ પ્રકરણની ઘરે જાણ થતાં માતાએ ઠપકો આપ્યો, યુવતી મહિસાગર પુલ પર પહોંચી

ProudOfGujarat

પાલેજ ખાતે પીર મોટામીયા બાવાના બે દિવસીય ઉર્સનો પ્રારંભ…

ProudOfGujarat

ભરૂચના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શનિવારે એનએમસી (નેશનલ મેડિકલ કમિશન) બીલના પ્રતિકાત્મક વિરોધ સાથે તમામ તબીબો સામાન્ય તબીબી સેવાથી અળગા રહ્યા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!