Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વકીલ પર લોખંડની પાઇપથી હુમલો : કાકા સાથેના ઝઘડાની અદાવતમાં હુમલો કર્યાનો આક્ષેપ : પત્ની છોડાવવા વચ્ચે પડતા તેને પણ ધક્કો માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરના રાવળીયાવાડના ટેકરા વિસ્તારમાં કાકા સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી વકીલ ઉપર લોખંડની પાઇપથી હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે. વકીલને કાન પાછળ તથા બરડાના ભાગે ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ચાર સહિત અન્ય ઇસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રાવળીયાવાડના ટેકરા વિસ્તારમાં રહેતા અને છેલ્લા પાંચ વર્ષથી ભરૂચ કોર્ટમાં વકીલાત કરતા 28 વર્ષીય પ્રિતેશ સુરેશભાઈ રાવલના ઘરમાં હાલ સમારકામ ચાલી રહ્યું છે. તા.5 ઓક્ટોબરની વહેલી સવારે તેઓ ઘર નજીક પાણી છાંટી રહ્યા હતા ત્યારે તેમના સગા કાકા વિનોદભાઈ રાવલનો સન્મુખ કાલિદાસ રાવલ અને તેના પુત્ર રાજ સાથે ધાબા ઉપર સોલાર પેનલ ધોવા બાબતે ઝઘડો થયો હતો. પ્રિતેશે વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની અદાવત રાખી સવારે આશરે 10:30 વાગ્યે પ્રિતેશ પોતાની પત્ની જાગૃતિબેન સાથે કોર્ટ જવા નીકળ્યા હતા. ત્યારે સન્મુખ રાવલ, તેનો પુત્ર રાજ, રોહીત શૈલેશભાઈ રાવલ રહે. રાજપીપળા અને હિતેશ દેવજીભાઈ રાવલ સહિતના ઇસમો ત્યાં આવી પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ, આરોપીઓ પ્રિતેશના કાકાના પુત્ર ધ્રુવિલને મારવા આવ્યા હતા, પરંતુ તે ઘરમાં હોવાથી સીધા પ્રિતેશ સાથે ઝઘડો કર્યો હતો.

આ દરમિયાન સન્મુખ રાવલે હાથમાં રહેલી લોખંડની પાઇપ પ્રિતેશના જમણા કાનના પાછળના ભાગે મારી હતી, જ્યારે રાજે તેમને પાછળથી પકડી લેતા પ્રિતેશ નીચે પટકાયા હતા. ત્યારબાદ રોહીત રાવલે અન્ય બે સાગરીતોને બોલાવી લોખંડની પાઇપ વડે પ્રિતેશના બરડાના ભાગે માર માર્યો હતો. અન્ય ઇસમોએ પણ ઢીકાપાટુનો માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.

પત્ની જાગૃતિબેન પતિને છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ધક્કો મારવામાં આવ્યો હતો. હુમલાખોરોથી છૂટીને પ્રિતેશ ત્યાંથી ભાગી ગયા હતા. દરમિયાન આરોપીઓએ ગાળો આપી “તું બહુ મોટો વકીલ થઈ ગયો છે, આજ પછી મળ્યો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

બનાવ બાદ પ્રિતેશે 112માં ફોન કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્ત વકીલને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

કરજણમાં કરિયાણાની દુકાને ગ્રાહકોની ભીડ જામતાં સોશિયલ ડિસ્ટન્સ નહિ જળવાતાં તંત્ર દ્વારા દુકાનને સીલ કરાઈ હતી.

ProudOfGujarat

વિરમગામમાં સૃષ્ટીના સર્જનહાર ભગવાન વિશ્વકર્માના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે

ProudOfGujarat

ધોધંબાના ચેલાવાડાના ડુંગરોનો નયનરમ્ય નજારો માણવા હાલમાં પણ આવે છે અનેક સહેલાણીઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!