ભરૂચ :
શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ સંચાલિત શ્રી રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા “સાતમ” ના પવિત્ર અને શ્રદ્ધાભર્યા દિવસે ભરૂચ ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક અને સાહસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત છાત્રાલય, ભરૂચ ખાતે યોજાયેલા આ ભવ્ય “તલવાર રાસ” કાર્યક્રમમાં સમાજના ભાઈઓ અને બહેનોએ અદભુત ઉત્સાહ સાથે ઉપસ્થિતિ નોંધાવી હતી.
હિન્દુ સંસ્કૃતિમાં મહાશક્તિની આરાધના અને પર્વના વિશેષ મહત્ત્વને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં કુલ ૨૦૦ જેટલી બહેનો અને ૨૫૦ જેટલા ભાઈઓ એ સક્રિયપણે ભાગ લઈને તલવારબાજીના અદભુત કરતબો રજૂ કર્યા હતા. ઇતિહાસમાં શક્તિ, સાહસ અને વીરતાનું પ્રતીક રહી ચૂકેલી તલવાર સાથે યુવાધન અને નારીશક્તિ જ્યારે મેદાને ઉતરી, ત્યારે સમગ્ર વાતાવરણ વીરરસથી છવાઈ ગયું હતું.
આપણી સંસ્કૃતિમાં શક્તિની આરાધનાનું વિશેષ મહત્વ છે, અને આજના પાવન અવસરે ભાઈઓ તથા બહેનોની આ અદભુત સહભાગિતા એ વાતની સાક્ષી પૂરે છે કે આપણો યુવાવર્ગ આપણા પરંપરાગત વારસાને જીવંત રાખવા માટે કેટલો પ્રતિબદ્ધ છે. રાજપૂતાના રોર તલવારબાજી ગ્રુપના સહયોગથી યોજાયેલા આ આયોજનનો મુખ્ય હેતુ આપણી આગવી પરંપરા, શૌર્યગાથાઓ અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે.
“જેના લોહીમાં વહે છે વફાદારીની ધાર, એવી શૂરવીરોની ગાથા છે આપણો આ તલવાર રાસ ને શણગાર! આપણી આ નારીશક્તિ અને યુવાધન જ્યારે પોતાની પરંપરા સાથે જોડાય છે, ત્યારે ઇતિહાસ ફરી જીવંત બને છે.”
