ભરૂચ :
હાલની મોંઘવારી અને મહિલાઓ તથા બાળકીઓની સુરક્ષાના મુદ્દે ગુજરાત લોકશાહી મંચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. મંચે જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ અને મહિલાઓ સામેના અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી વિવિધ પગલાં ભરવા રજૂઆત કરી છે.
ગુજરાત લોકશાહી મંચના જિલ્લા મુખ્ય સંયોજક કિરણ કે. વાઘેલાએ તા. 26 ઓક્ટોબર, 2026ના રોજ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ સહિતના પરિવારો માટે જીવનનિર્વાહનો ખર્ચ વધી રહ્યો છે. બીજી તરફ, મહિલાઓ અને બાળકીઓ સામે દુષ્કર્મ તથા ઘરેલું હિંસા જેવી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં સ્કૂલ, કોલેજ અને રોજગારી માટે બહાર જતી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે.
મંચની ચાર મુખ્ય માંગણીઓ
ભરૂચ જિલ્લામાં સસ્તા ભાવે અનાજ અને શાકભાજી ઉપલબ્ધ કરાવવા સ્ટોલ શરૂ કરવામાં આવે.
મહિલા સુરક્ષા માટે હેલ્પલાઇનને અસરકારક બનાવવાની સાથે પોલીસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવે.
મહિલાઓ પર અત્યાચારના કેસોમાં ઝડપી ન્યાય મળે તે માટે કાયદાકીય જોગવાઈઓ મુજબ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણીની વ્યવસ્થા કરવામાં આવે.
જિલ્લા અને તાલુકા કક્ષાએ મહિલા સુરક્ષા સમિતિઓની રચના કરવામાં આવે.
મંચે કલેક્ટર સમક્ષ આ માંગણીઓ અંગે સમયસર કાર્યવાહી કરવા વિનંતી કરી છે. જો માંગણીઓ અંગે યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
