Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ LCBની નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પુનગામ પાસે દારૂ ભરેલી બિનવારસી સ્વિફ્ટ કાર મળી : એક્સપ્રેસ હાઈવેના ડિવાઈડર સાથે અથડાયેલી કારમાંથી વિદેશી દારૂની 927 બોટલ-ટીન અને રૂ. 3 લાખની કાર મળી, કુલ રૂ. 6.24 લાખનો મુદ્દામાલ કબજે

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પુનગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી બિનવારસી સ્વિફ્ટ કાર ઝડપી પાડી છે. ડિવાઈડર સાથે અથડાયેલી હાલતમાં મળી આવેલી કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 927 બોટલ અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 6,24,318નો મુદ્દામાલ કબજે કરી ફરાર કારચાલક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ LCBના અ.હે.કો. તગ્દિરસિંહ બળવંતસિંહ સહિતની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચથી સુરત તરફ પુનગામ ગામ નજીક ગ્રે કલરની સ્વિફ્ટ કાર અકસ્માતગ્રસ્ત હાલતમાં ઊભી છે અને તેમાં શંકાસ્પદ મુદ્દામાલ હોવાની શક્યતા છે.

બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી સ્થળ પર તપાસ કરતાં GJ-19-AF-3010 નંબરની સ્વિફ્ટ કાર ડિવાઈડર સાથે અથડાયેલી હાલતમાં મળી આવી હતી. કારમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી પોલીસે તપાસ કરતાં પાછળની સીટ પર વિદેશી દારૂના બોક્સ અને છૂટક બોટલો મળી આવી હતી. કારના દરવાજા, કાચ સહિતના ભાગોમાં પણ નુકસાન થયેલું હતું.

પોલીસે કારને ક્રેન મારફતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લાવી પંચોની હાજરીમાં દારૂની ગણતરી કરી હતી. જેમાં બડવાઇઝર મેગ્નમ બીયરના 96 ટીન, કાર્લ્સબર્ગ બીયરના 120 ટીન, રોયલ સ્ટેગ બેરલ સિલેક્ટની 119 બોટલ, ડીએસપી બ્લેક ક્લાસિકની 96 બોટલ, મેજિક મોમેન્ટ વોડકાની 143 બોટલ, રોયલ સ્ટેગ ક્લાસિકની 240 બોટલ અને રેડ નાઈટ માલ્ટ વ્હિસ્કીની 113 બોટલ મળી કુલ 927 બોટલ અને ટીન મળી આવ્યા હતા. જેની કુલ કિંમત રૂ. 3,24,318 થાય છે.

આ ઉપરાંત પોલીસે રૂ. 3 લાખની કિંમતની સ્વિફ્ટ કાર પણ કબજે કરી હતી. આમ, વિદેશી દારૂ અને કાર સહિત કુલ રૂ. 6,24,318નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં કારચાલક દારૂનો જથ્થો વેચાણના ઇરાદે લઈ જઈ રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, પોલીસને સ્થળ પરથી કોઈ આરોપી મળી આવ્યો ન હતો. જેથી ફરાર કારચાલક અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

આ મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 65(ઇ), 98(2) અને 116(બી) હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે. LCBની કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


Share

Related posts

૧૮૧ અભયમની ટીમના કુશળ કાઉન્સેલિંગ થકી ઘરે પરત ફરી કિશોરી

ProudOfGujarat

રાજપીપળા : મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા. ૩૦ મી જુન સુધી બંધ.

ProudOfGujarat

બેફામ દોડતા ટેલરના ડ્રાઈવરે બાઈકને ટક્કર મારતાં ચાલકનું સ્થળ પર જ મોત : ભરૂચની નર્મદા ચોકડી પાસે સબર હોટલ સામે બનેલી ઘટના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!