વાંકલ :
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના રટોટી ગામની સીમમાં આવેલી શિવમ સ્ટોન ક્વૉરીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ક્વૉરીના કંપાઉન્ડમાં ઝાડ નીચે લોખંડના ખાટલા પર આરામ કરી રહેલા 28 વર્ષીય મજૂરને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવવામાં આવેલી હાઇવા ટ્રકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મજૂરને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મરણ જનાર મદન ખેમરાજ ભીલ (ઉં.વ. 28) રટોટી ગામની સીમમાં આવેલી શિવમ સ્ટોન ક્વૉરીમાં મજૂરી કામ કરતો હતો. બનાવના દિવસે તે ક્વૉરીના કંપાઉન્ડમાં આવેલા ઝાડ નીચે લોખંડના ખાટલા પર આરામ કરી રહ્યો હતો. આ દરમિયાન ટાટા કંપનીની હાઇવા ટ્રક નંબર GJ-16-AY-7766ના ચાલક હેમંતકુમાર શીવરામભાઈ વરવાલીયાએ ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હતી.
ટ્રકચાલકે ક્વૉરીના કંપાઉન્ડમાં આરામ કરી રહેલા મદન ભીલના ખાટલાને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મદન ભીલને માથાના ભાગે, બંને પગમાં તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. શરીરના અન્ય ભાગોમાં પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે ક્વૉરીમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ત્યારબાદ ઇજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવાન મજૂરના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.
આ બનાવ અંગે મૃતકના ભાઈ દેવેન્દ્રકુમાર ખેમરાજ ભીલે ઝંખવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે હાઇવા ટ્રકના ચાલક હેમંતકુમાર વરવાલીયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના આ બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દલાભાઈ ચલાવી રહ્યા છે.
