ભરૂચ :
ખેડૂતોની આવકમાં વધારો કરવા અને નાગરિકોને શુદ્ધ, સાત્વિક તથા રસાયણમુક્ત ખેતપેદાશો ઉપલબ્ધ કરાવવાના હેતુથી ભરૂચ જિલ્લા પંચાયત પરિસરમાં ‘સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ’ની શરૂઆત કરવામાં આવી છે. રવિવારના રોજ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આ ખેડૂત હાટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાની ખેતપેદાશોના વેચાણ માટે સીધું બજાર મળી રહે અને ખેડૂતોને વચેટિયાઓ વિના ગ્રાહકો સુધી પહોંચવાની તક મળે તેવા ઉમદા આશય સાથે આ પહેલ કરવામાં આવી છે. આ હાટના માધ્યમથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ખેતપેદાશો સીધી ગ્રાહકોને વેચી શકશે. બીજી તરફ શહેરના નાગરિકોને પણ પોતાના જ જિલ્લામાં ઉત્પાદિત થતી શુદ્ધ અને પ્રાકૃતિક ખેતપેદાશો સરળતાથી મળી રહેશે.
હાલના સમયમાં ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ અંગે જાગૃતિ વધી રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ બની શકે છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખાદ્યપદાર્થો અંગે લોકોમાં જાગૃતિ વધે તેમજ ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય બજાર મળી રહે તે માટે ખેડૂત હાટ ઉપયોગી માધ્યમ બનશે.
આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ, સૃષ્ટિ સંસ્થા અમદાવાદ, બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટના પ્રતિનિધિઓ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતમિત્રો તેમજ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.
આમ, ભરૂચ જિલ્લા પંચાયત પરિસરમાં શરૂ થયેલી ‘સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ’ની પહેલથી એક તરફ ખેડૂતોને સીધા વેચાણનું પ્લેટફોર્મ મળશે તો બીજી તરફ શહેરીજનોને શુદ્ધ અને પ્રાકૃતિક ખેતપેદાશો ખરીદવાની સુવિધા ઉપલબ્ધ બનશે. ‘ખેડૂત સમૃદ્ધિ તરફનું પગલું અને સ્વસ્થ સમાજ તરફની પહેલ’ના સંકલ્પ સાથે શરૂ થયેલી આ હાટ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની દિશામાં નવું માધ્યમ બની છે.
