ભરૂચ:
ભરૂચના નેશનલ હાઈવે-48 પર લુવારા નજીક ગત રાત્રે એક ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. જોકે, ટેન્કરચાલકની સમયસૂચકતા અને ત્યાંથી પસાર થતા કારચાલક તેમજ નજીકના પેટ્રોલ પંપના કર્મચારીએ સમયસર મદદ કરતાં આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી માહિતી મુજબ, ટેન્કર હજીરાથી રનોલી તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન લુવારા નજીક પહોંચતાં ટેન્કરમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં જ ટેન્કરચાલકે સમયસૂચકતા દાખવી વાહનને રસ્તા પર રોકી દીધું હતું. ટેન્કરમાં આગ લાગેલી જોઈ ત્યાંથી પસાર થતા એક કારચાલકે તાત્કાલિક વાહન રોકી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત નજીકમાં આવેલા જીઓ પેટ્રોલ પંપના કર્મચારીએ પણ મદદ માટે દોડી આવી આગ ઓલવવાના પ્રયાસો કર્યા હતા.
કારચાલક અને પેટ્રોલ પંપના કર્મચારીની સમયસરની મદદના કારણે આગને વધુ વિકરાળ બનતી અટકાવવામાં સફળતા મળી હતી. ઘટનાને પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આગ પર કાબૂ મેળવી લેવામાં આવતાં મોટી જાનહાનિ કે અન્ય નુકસાનની ઘટના ટળી હતી. આ ઘટનાએ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ થોડીવાર માટે ચિંતા ફેલાવી હતી.
