Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાના સિંગલવાણ ગામે જમીન વિવાદે લીધો ઉગ્ર વળાંક : ટોળાએ પોલીસ ટીમ પર કર્યો પથ્થરમારો : 4 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત, સરકારી વાહનો સહિત અનેક ગાડીઓમાં નુકસાન

Share

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સિંગલવાણ ગામે જમીન મામલે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગામમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. જમીનદાર અને ગ્રામજનો વચ્ચે થયેલી માથાકૂટ બાદ પરિસ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ કે મામલો શાંત પાડવા પહોંચેલી પોલીસ ટીમ પર જ ટોળાએ હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ, સિંગલવાણ ગામ ખાતે એક જમીનને લઈ જમીનદાર પક્ષ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. બુધવારે આ મામલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ ગરમાયું હતું. બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી જતા ગામમાં ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાની જાણ વાલિયા પોલીસ મથકને થતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.

Advertisement

વાલિયા પોલીસ મથકનો સ્ટાફ બે સરકારી વાહનો તેમજ ચાર ખાનગી વાહનોમાં ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવી મામલો શાંત પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ ટોળું વધુ ઉશ્કેરાઈ જતા અચાનક પોલીસ તેમજ સામે પક્ષ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

અચાનક થયેલા પથ્થરમારાને કારણે વિસ્તારમાં દોડધામ અને નાસભાગ મચી જવા પામી હતી. પોલીસકર્મીઓએ પોતાનો બચાવ કરતાં સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન ચાર પોલીસ જવાનોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને પ્રાથમિક સારવાર અપાઈ હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

પથ્થરમારાની ઘટનામાં જમીનદારની કાર ઉપરાંત પોલીસની સરકારી ગાડીઓ અને અન્ય વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. કેટલીક ગાડીઓના કાચ તૂટી જવા સાથે બોડીના ભાગોમાં નુકસાન નોંધાયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ગામમાં થોડા સમય માટે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો.

ઘટના અંગે પોલીસે જમીનદારની અરજીના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવમાં સામેલ તત્વોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી પોલીસ સૂત્રો દ્વારા આપવામાં આવી છે.

જમીન વિવાદને લઈ બનેલી આ હિંસક ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. સ્થાનિકોમાં પણ ઘટનાને લઈ ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં થયેલ રસ્તાની કામગીરીને પગલે કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીફ ઓફિસરને આવેદન આપી રજૂઆત.

ProudOfGujarat

રાજપીપલા: નર્મદામા માધ્યમિક અને ઉ.મા. શાળાઓના શિક્ષકોએ કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્નો ન ઉકેલાતા જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાને આવેદનપત્ર અપાયું

ProudOfGujarat

ભરૂચ ફાંટાતળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થતા અફરાતફરી નો માહોલ સર્જાયો-ઘટનામાં 5 લોકો દબાયા.. એક મહિલાનું મોત-ચાર સારવાર હેઠળ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!