ભરૂચ :
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીતપરા વગાના જંગલમાંથી માનવ કંકાલ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગત 30 ઓક્ટોબર, 2026ના રોજ જંગલ વિસ્તારમાં કંકાલના ટુકડા છૂટાછવાયા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન નજીકમાંથી મળી આવેલાં કપડાંના આધારે આ કંકાલ ફિયચવાડા ગામના 39 વર્ષીય ઇન્દ્રજીતસિંહ ભુપતસિંહ ઘરીયાનું હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તબક્કે તેમના પર વન્યપ્રાણીના હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, ફિયચવાડા ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા ઇન્દ્રજીતસિંહ ઘરીયા ગત 20 ઓક્ટોબરના રોજ ઘરેથી સીમાડા વગા પાસે આવેલા ખેતરે જવાનું કહી નીકળ્યા હતા. જોકે, લાંબો સમય વીતી જવા છતાં તેઓ ઘરે પરત ફર્યા નહોતા. પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે પરિવાર દ્વારા ઉમલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી.
દરમિયાન 30 ઓક્ટોબરના રોજ જીતપરા વગાના કોતરના જંગલ વિસ્તારમાં માનવ કંકાલ મળી આવ્યાની જાણ પોલીસને થતાં ઉમલ્લા પોલીસ સ્ટેશનના એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ બુદ્ધિસિંહ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પાણેથા આઉટપોસ્ટથી આશરે સાત કિલોમીટર દૂર આવેલા જંગલમાં ઝાડીઓ વચ્ચે કંકાલના ટુકડા છૂટાછવાયા પડેલા જોવા મળ્યા હતા.
કંકાલની નજીકથી કાળા રંગનું ચોકડીવાળું શર્ટ અને ભૂરા રંગનું નાઇટ ટ્રેક પેન્ટ મળી આવ્યું હતું. પોલીસે આ કપડાંના આધારે ગુમ થયેલા ઇન્દ્રજીતસિંહના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. તેમના પિતા ભુપતસિંહ દોલતસિંહ ઘરીયાએ કપડાં પોતાના પુત્રનાં હોવાનું ઓળખી બતાવતાં કંકાલની ઓળખ થઈ હતી.
આ બનાવ અંગે ઉમલ્લા પોલીસે BNSSની કલમ 168 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઇન્દ્રજીતસિંહનું મોત કયા સંજોગોમાં થયું, વન્યપ્રાણીના હુમલાથી થયું કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ અને અન્ય તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
