વાંકલ :
માંગરોળ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળામાં લાંબા સમયથી શિક્ષણકાર્ય સાથે સંકળાયેલાં શિક્ષિકા કવિતાબેન ચૌધરીનો નિવૃત્તિ નિમિત્તે ભાવભીનો વિદાય સમારોહ યોજાયો હતો. વર્ષ ૨૦૧૩માં ઉપશિક્ષક તરીકે મોસાલી પ્રાથમિક શાળામાં જોડાયેલા કવિતાબેન ચૌધરીએ વર્ષો સુધી નિષ્ઠા, સમર્પણ અને જવાબદારી સાથે શૈક્ષણિક સેવાઓ આપી અનેક વિદ્યાર્થીઓના ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
નિવૃત્તિ સમારોહ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળકોએ પોતાની કલાઓ દ્વારા શિક્ષિકા પ્રત્યેનો આદર અને લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કવિતાબેનની શૈક્ષણિક સેવાઓને યાદ કરી તેમના કાર્યકાળની પ્રશંસા કરી હતી તેમજ નિવૃત્ત જીવન સુખમય અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સમારોહમાં મોસાલી ગામનાં સરપંચ સવિતાબેન વસાવા, ઉપસરપંચ બિલાલભાઈ, મોસાલી દૂધ ઉત્પાદન સહકારી મંડળીના પ્રમુખ મકસુદભાઈ માજરા, તાલુકા પંચાયત સભ્ય શીતલબેન વસાવા સહિત ગામના અગ્રણીઓ, ગ્રામજનો અને શાળા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ લાગણીસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો.
