ભરૂચ :: ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાઈ રહેલા જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત વાગરા તાલુકાના લુવારા ગામની પ્રાથમિક શાળા ખાતે યુવા સંમેલન યોજાયું હતું. બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસની સાથે યુવાનોને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ ભગવાન બિરસા મુંડાના પૂજન અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી સંમેલનના હેતુ અંગે માહિતી આપી હતી.
આ પ્રસંગે વાગરા તાલુકા જનજાતિ મોરચાના મહેશભાઈ રાઠોડે ભગવાન બિરસા મુંડાના જીવનચરિત્ર અને આદિવાસી સમાજ માટેના તેમના યોગદાન અંગે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. ધારાસભ્ય અરુણસિંહ રણાએ પણ ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને સમાજ માટેના તેમના બલિદાનને યાદ કરી યુવાનોને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું.
સંમેલનનું વિશેષ આકર્ષણ લુવારા ગામના ૧૩ પ્રતિભાશાળી યુવા-યુવતીઓનું સન્માન રહ્યું હતું. ઉચ્ચ અભ્યાસ બાદ રિલાયન્સ, થરમેક્સ અને કેમલિન જેવી પ્રતિષ્ઠિત ખાનગી કંપનીઓમાં રોજગારી મેળવનાર આ યુવાનોએ ગામ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. મંચ પર તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાંથી બે યુવાનોએ પોતાની સફળતાની સફર અને અનુભવો રજૂ કરી ઉપસ્થિત યુવાઓને પ્રેરિત કર્યા હતા.
મહાનુભાવોએ યુવાનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની આદિજાતિ વિકાસલક્ષી યોજનાઓ, શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગારીની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને એલએનજી પેટ્રોનેટ, ઓએનજીસી અને રિલાયન્સ જેવી અગ્રણી કંપનીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે થઈ રહેલા પ્રયાસોની માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવા, વાગરા તાલુકા પંચાયત પ્રમુખ જયશ્રીબા રણા, ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ હેમાક્ષીબેન પટેલ, લુવારા સરપંચ ઈશ્વરભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ અને સ્થાનિક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે વાગરા મામલતદાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
