ભરૂચ :: ભરૂચમાં ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી છઠ પૂજાની પરંપરા ઉત્સાહભેર જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે પણ ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા ખાતે ચાર દિવસીય છઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દિનકર સેવા સમિતિના નેજા હેઠળ યોજાઈ રહેલા આ મહોત્સવમાં જિલ્લાભરમાંથી ૨૫ હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા છે.
મહોત્સવને લઈને નર્મદા પાર્ક ઓવારા ખાતે વિશાળ મંડપ, પૂજા-અર્ચના અને શ્રદ્ધાળુઓ માટેની વિવિધ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. છઠ પૂજા ઉત્તર ભારતીય પરિવારો માટે વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. આ પર્વમાં વ્રતધારીઓ નર્મદા નદીના પાણીમાં ઊભા રહી અસ્ત થતા અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરી પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.
દિનકર સેવા સમિતિના પ્રમુખ ડૉ. જીતેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે ચાર દિવસીય મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે નહાય-ખાય, બીજા દિવસે ખરના, ત્રીજા દિવસે સંધ્યા અર્ઘ્ય અને ચોથા દિવસે ઉગતા સૂર્યને પ્રાતઃ અર્ઘ્ય અર્પણ કરવાની ધાર્મિક વિધિ યોજાશે. ત્યારબાદ વ્રતધારીઓ પારણું કરી પૂજાનું સમાપન કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વહીવટી તંત્રના સહયોગથી સમગ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ દરમિયાન ધાર્મિક વિધિઓ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
ભરૂચમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ઉજવાતો છઠ મહોત્સવ માત્ર ધાર્મિક આસ્થા પૂરતો સીમિત નથી, પરંતુ વિવિધ પ્રાંતના લોકો વચ્ચે સાંસ્કૃતિક એકતા, સામાજિક સદભાવ અને ભાઈચારાનું પણ સુંદર ઉદાહરણ બની રહ્યો છે.
