અંકલેશ્વર :
ઉકાઈ જળાશય યોજનાની જમણા કાંઠાની કેનાલ સમારકામ અને નવીનીકરણનાં કામો માટે 16 નવેમ્બર, 2026થી 13 ફેબ્રુઆરી, 2027 સુધી એટલે કે 90 દિવસ બંધ રાખવામાં આવશે. કેનાલ બંધ રહેવાના કારણે અંકલેશ્વર શહેર, જીઆઈડીસી સહિત આસપાસના વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ છે. જોકે, તંત્ર દ્વારા આગોતરી વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કેનાલના સમારકામ માટે અંદાજે રૂ.60 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન નાના પુલ, સાઇફન, ગેટ અને કેનાલના લાઇનિંગ સહિતનાં આશરે 40 જેટલાં સમારકામ અને નવીનીકરણનાં કામ હાથ ધરાશે.
કેનાલ બંધ રહેવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જીઆઈડીસીના નોટિફાઇડ વિભાગે પાણી વિતરણનો નવો સમય જાહેર કર્યો છે. જે મુજબ રહેણાંક વિસ્તારોમાં સવારે 6થી 9 વાગ્યા સુધી અને ઔદ્યોગિક વિસ્તારોમાં સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી પાણીનું વિતરણ કરવામાં આવશે. જીઆઈડીસીના તળાવમાં હાલ અંદાજે 45 દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઝઘડિયાથી કરજણ કેનાલ મારફતે 7 એમએલડી પાણી મેળવવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
નોટિફાઇડ એરિયા જીઆઈડીસીના ચેરમેન પ્રબોધ પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યોગો દરરોજ એક કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરીને ટેન્કર મારફતે પાણી ખરીદે છે. તેમણે સરકાર સમક્ષ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારોમાં પૂરતું પાણી પહોંચાડવાની જવાબદારી લેવા રજૂઆત કરી છે.
બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ આગોતરી તૈયારી કરવામાં આવી છે. નગરપાલિકાના તળાવમાં અંદાજે 50 દિવસ ચાલે તેટલો પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. હાલ 24 બોર કાર્યરત છે, જ્યારે વધુ છ બોર અંદાજે રૂ.40 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
નગરપાલિકાએ નાગરિકોને પાણીની અછતના સમયગાળા દરમિયાન કરકસરથી પાણી વાપરવા અને બગાડ ટાળવા અપીલ કરી છે. કેનાલ 90 દિવસ બંધ રહેતાં અંકલેશ્વર, હાંસોટ અને કોસંબા વિસ્તારમાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થાની કસોટી થવાની છે.
