ભરૂચના નર્મદા ચોકડીથી ઝાડેશ્વર ચોકડી તરફ જવાના સર્વિસ રોડ પર ગુલસ્તાન હોટલ સામે અજાણ્યા વાહનની અડફેટે એક અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવાની તસ્દી લીધા વગર ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, ઝાડેશ્વરના પંચાલ ફળિયામાં રહેતા શૈલેષભાઈ વસાવા (ઉં.વ. 46) ગત તા. 17 નવેમ્બરના રોજ કામ અર્થે પાલેજ ગયા હતા. રાત્રે આશરે સાડા દસ વાગ્યાના અરસામાં તેઓ બાઇક પર નર્મદા બ્રિજ પસાર કરી સર્વિસ રોડ મારફતે ઝાડેશ્વર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન નર્મદા ચોકડીથી થોડે આગળ ગુલસ્તાન હોટલ સામે રસ્તા પર એક અજાણ્યો પુરુષ અકસ્માતમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો.
અજાણ્યા વાહનચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી આ પુરુષને અડફેટે લીધો હતો. વાહનનાં ટાયર તેના બંને પગ પર ફરી વળતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.
શૈલેષભાઈના મોબાઇલમાં ચાર્જ ન હોવાથી તેમણે રસ્તા પરથી પસાર થતા રાહદારીના મોબાઇલથી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઉંમર આશરે 40થી 45 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેની ઓળખ થઈ શકી નથી.
આ બનાવ અંગે શૈલેષભાઈ વસાવાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
