ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં ધાબા પર પાર્ટી કરવાની ના પાડવાની અદાવતમાં એક યુવાન પર ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાખોરોએ યુવાનને માર મારવા ઉપરાંત તેની બાઇકમાં પણ તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, મહાદેવનગરમાં રહેતા વિશાલભાઈ પંચોલી (ઉં.વ. 34) છૂટક મજૂરી કામ કરે છે અને માતા સાથે રહે છે. તેમના બીજા મકાનની બાજુમાં રહેતા દિવ્યેશ સોલંકી અવારનવાર મિત્રો સાથે તેમના મકાનના ધાબા પર બેસીને પાર્ટી કરતા હતા. આ અંગે વિશાલભાઈએ અવારનવાર વાંધો ઉઠાવી પાર્ટી કરવાની ના પાડી હતી. જેને લઈને દિવ્યેશ સોલંકી અદાવત રાખતો હતો.
ગત 10 નવેમ્બરની રાત્રે આશરે સાડા બાર વાગ્યાના અરસામાં વિશાલભાઈ કસક વિસ્તારમાંથી મંચુરિયન લઈને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન પાણીની ટાંકી પાસે દિવ્યેશ સોલંકીએ તેમનું બાઇક અટકાવી ચાવી કાઢી લીધી હતી અને અચાનક મોઢા પર મુક્કા મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે રહેલા કિશન ગોહિલ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ પણ ભેગા મળી ગાળો આપી માર માર્યો હતો.
આરોપીઓએ જતા જતા ફરી મળવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, વિશાલભાઈની બાઇકના કાચ, ફાઇબર અને ટાંકીમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે વિશાલભાઈ પંચોલીએ દિવ્યેશ સોલંકી, કિશન ગોહિલ અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.
