। ભરૂચ ।
ભરૂચ અને અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારના પર્યાવરણીય પ્રદૂષણના મુદ્દે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં CEPI (Comprehensive Environmental Pollution Index) એક્શન પ્લાનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં અગાઉ નક્કી કરવામાં આવેલી કામગીરીની પ્રગતિ, ચોમાસા બાદના પ્રદૂષણ મોનિટરિંગ અને આગામી સમયમાં હાથ ધરાનાર પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં અગાઉની બેઠકમાં મંજૂર કરાયેલા મિનિટ્સ ઓફ મિટિંગ (MoM) મુજબ વિવિધ સંબંધિત વિભાગો અને સત્તાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીના અહેવાલની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત જે કામગીરી હજુ બાકી છે તેને પૂર્ણ કરવા તેમજ આગામી સમયમાં પ્રદૂષણ નિયંત્રણ માટે જરૂરી પગલાં હાથ ધરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ખાસ કરીને ચોમાસા બાદ હાથ ધરવામાં આવેલી CEPI મોનિટરિંગ કામગીરી અને તેના આધારે ગણતરી કરવામાં આવેલા પ્રદૂષણના સ્કોર અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. NCTL અને NAA દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણની સ્થિતિ સુધારવા અને પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે તે દિશામાં બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ, નોટિફાઇડ એરિયાના મુખ્ય અધિકારી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ સહિત વિવિધ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
