વાંકલ :
ઉમરપાડા તાલુકાના નશાપુર ગામની સીમમાં આવેલા ખેતરમાંથી 31 વર્ષીય પરિણીતાનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મહિલા ઘરેથી ખેતરમાં ભાત કાપવા જવાનું કહી નીકળ્યા બાદ પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જોકે, બીજા દિવસે તેમનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, નશાપુર ગામના ભગત ફળિયામાં રહેતાં કાશ્મીરાબેન નિરંજનભાઈ બાબુભાઈ વસાવા (ઉં.વ.31) ગત 19 નવેમ્બરના રોજ સવારે આશરે નવ વાગ્યે નણંદના ખેતરે ભાત કાપવા જવાનું કહી ઘરેથી નીકળ્યાં હતાં. જોકે, સાંજ સુધી તેઓ પરત નહીં ફરતાં પતિ નિરંજનભાઈ સહિત પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી.
પરિવારજનોએ ગામમાં, આસપાસના જંગલ વિસ્તારમાં તેમજ સગા-સંબંધીઓમાં તપાસ કરી હતી, પરંતુ કાશ્મીરાબેનનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન 20 નવેમ્બરના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યાના સુમારે નશાપુર ગામની સીમમાં સર્વે નંબર 234 ધરાવતા બળવંતભાઈ જગુભાઈ વસાવા નાયકાના ખેતરમાંથી કાશ્મીરાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવની જાણ થતાં ઉમરપાડા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉમરપાડા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. અશોકભાઈ ઈશ્વરભાઈ અને અ.હે.કો. અર્જુનભાઈ ધનસુખભાઈ બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
તપાસ દરમિયાન મહિલાના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળશે.
