ભરૂચ :
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના લુણા ગામે યોજાયેલી ગ્રામસભામાં GMDCના વાલીયા લિગ્નાઇટ પ્રોજેક્ટને આપવામાં આવેલી પર્યાવરણ મંજૂરી (EC) સામે ભારે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ માટે ખોટી માહિતી રજૂ કરી અને હકીકતો છુપાવી પર્યાવરણ મંજૂરી મેળવવામાં આવી હોવાના આક્ષેપ સાથે આ મંજૂરી રદ કરાવવા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
ગ્રામસભામાં પ્રોજેક્ટની પર્યાવરણીય અસરો અને મંજૂરી મેળવવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. GMDC દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતોની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ સાથે સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત પર્યાવરણ મંજૂરી રદ કરાવવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) અને ગુજરાત હાઇકોર્ટમાં કાનૂની પિટિશન દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવા પણ ઠરાવ પસાર કરાયો હતો.
આ ગ્રામસભામાં લુણા ગામનાં સરપંચ ભદ્રિકાબેન વસાવા, કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ સરપંચ વિજયભાઈ વસાવા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામજનોને પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કાયદાકીય અને પર્યાવરણીય બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે, ગામના લોકોના હિત, પર્યાવરણનું સંરક્ષણ અને આવનારી પેઢીના ભવિષ્ય સાથે જોડાયેલા આ ગંભીર પ્રશ્ને ગ્રામજનોનો અવાજ લોકશાહી અને કાયદાકીય માધ્યમથી રજૂ થવો જરૂરી છે. ગ્રામસભામાં પસાર થયેલા ઠરાવોના આધારે હવે NGT અને ગુજરાત હાઇકોર્ટમાં કાનૂની લડત માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રામસભામાં ગ્રામજનોના હિતો અને પર્યાવરણના રક્ષણ માટે અંત સુધી કાયદાકીય લડત લડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હવે GMDCના લિગ્નાઇટ પ્રોજેક્ટની પર્યાવરણ મંજૂરી સામે કાનૂની મોરચે કેવાં પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેશે.
