ભરૂચ-જંબુસર હાઇવે પર આવેલા ઢાઢર નદીના બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનો અંગે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજની સલામતીને ધ્યાનમાં રાખીને અગાઉ ભારે અને ઓવરલોડ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, હવે જંબુસર અને આમોદ વિસ્તારનાં ઔદ્યોગિક વાહનોને કેટલીક શરતો સાથે રાત્રિના સમયે પસાર થવાની છૂટ આપવામાં આવી છે.
ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 33(1)(બી) હેઠળ પ્રસિદ્ધ જાહેરનામામાં સુધારો કરીને 50 ટન સુધીની RTO માન્ય વજન વહન ક્ષમતા ધરાવતા ઔદ્યોગિક વાહનોને રાત્રે 11થી 2 વાગ્યા સુધી એટલે કે ત્રણ કલાક માટે બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.
આ વાહનો એક સમયે એક જ બાજુની એક લેનમાં ટ્રાફિક નિયમન સાથે એક પછી એક પસાર થઈ શકશે. આ નિર્ણય જંબુસરના નાયબ પોલીસ અધિક્ષકની રજૂઆત, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટનો પત્ર અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના હકારાત્મક અભિપ્રાય બાદ લેવામાં આવ્યો છે.
બીજી તરફ, રાત્રિના નિર્ધારિત સમય સિવાય 50 ટનથી વધુ વજન ધરાવતા ભારે કોમર્શિયલ વાહનોની અવરજવર પર પ્રતિબંધ યથાવત્ રહેશે. આવા વાહનો માટે વૈકલ્પિક રૂટ પણ નક્કી કરવામાં આવ્યા છે.
વૈકલ્પિક રૂટ નીચે મુજબ રહેશે:
– આમોદથી જંબુસર તરફ જતાં ભારે વાહનોએ સમા ત્રણ રસ્તા, સરભાણ, માતર ટોલનાકા અને પાદરા થઈ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે મારફતે જંબુસર જવાનું રહેશે.
– જંબુસરથી ભરૂચ-દહેજ તરફ જતાં ભારે વાહનોએ ડાભા ચોકડી, અણખી, પાદરા થઈ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે મારફતે ભરૂચ-દહેજ તરફ જવાનું રહેશે.
અગાઉના જાહેરનામાની અન્ય તમામ શરતો યથાવત્ રાખવામાં આવી હોવાનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચની અખબારી યાદીમાં જણાવાયું છે.
