ભરૂચ: ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામે આવેલા વમલેશ્વર-લખીગામ હોડીઘાટની તાજેતરમાં યોજાયેલી ઓનલાઇન હરાજીને લઈને વિવાદ સર્જાયો છે. હરાજી પ્રક્રિયા વિરુદ્ધ કેટલાક ઇસમો દ્વારા રજૂઆત કરવામાં આવતા વમલેશ્વર ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હરાજી પ્રક્રિયા યથાવત રાખવાની માંગ કરી છે.
ગ્રામજનોએ આવેદનમાં હોડીઘાટના ભૂતકાળના સંચાલનમાં આશરે રૂ.6થી 7 કરોડની નાણાકીય ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો અંગે તપાસની માંગ કરી છે. સરકારી ગ્રાન્ટમાંથી ખરીદાયેલી હોડીઓના સંચાલન, ખાનગી ટ્રસ્ટને સોંપાયેલી જવાબદારીઓ તેમજ આવક-જાવકના હિસાબોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
વધુમાં, ઓનલાઇન હરાજીની પ્રક્રિયામાં કોઈ ટેકનિકલ કે વહીવટી ગેરરીતિ થઈ હોય તો સત્તાવાર રેકર્ડના આધારે તપાસ કરવામાં આવે, પરંતુ માત્ર કોઈની રજૂઆતના આધારે નિયમસર યોજાયેલી હરાજી પ્રક્રિયા ખોરવવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે.
બીજી તરફ, હોડીઘાટમાંથી જિલ્લા પંચાયતને થતી આવકનો હિસાબ જાહેર કરવાની પણ ગ્રામજનોએ માંગ કરી છે. આ આવકમાંથી વમલેશ્વર ગામે આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવા, સ્નાન, શૌચાલય અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવે તેવી રજૂઆત કરી છે.
આ ઉપરાંત આશરે 1,500 પરિક્રમાવાસીઓની ક્ષમતા ધરાવતી મંજૂર ધર્મશાળાનું બાંધકામ ઝડપથી શરૂ કરવામાં આવે અને આગામી પરિક્રમા સીઝન પહેલાં કામચલાઉ ડોમની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું છે.
